જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોનકક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધાનો શુભારંભ કરાવતા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા

 જૂનાગઢ,તા. ૩      જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોનકક્ષાનો  કલા મહાકુંભ સ્પર્ધાનો શુભારંભ  ધારાસભ્યશ્રી  સંજયભાઈ  કોરડીયા એ કરાવ્યો હતો. 
ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ સંચલિત શ્રીમતી આર. જે. કનેરીયા ગર્લ્સ હાઈસ્કૂલ, જૂનાગઢના સહયોગથી ઝોન કક્ષા કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.  જેમાં ઝોન નં. ૫ ની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ, યુવક-યુવતિઓએ વક્તૃત્વ , નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ ,એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત , સમુહગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનીયમ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 

આ સ્પર્ધાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા ,પટેલ કેળવણી મંડળના પ્રમુખ સી.એ. સવજીભાઈ મેનપરા, જોઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી રતીભાઈ મારડીયા ,કેમ્પસ ડાયરેક્ટર ર્ડા. ડી.એ. ડઢાણીયા,એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ર્ડા. ડઢાણીયા ,કારોબારી સભ્ય દલસાણીયા, છાત્રાલય કેમ્પસ ડાયરેક્ટર એમ.ડી.વાછાણી ,જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભુષણભાઈ યાદવ, કનેરીયા સ્કૂલના પ્રિન્સીપાલ હસમુખાબેન મારવણીયા ઉપસ્થીત રહી, સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરુ પાડ્યુ હતું. આ સ્પર્ધાને સફળ બનાવવા રસીકભાઈ કનેરીયાએ કન્વીનર તરીકેની કામગીરી કરેલ હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)