આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જેલ સહાયક પુંજાભાઈ ગરચર ગઈકાલે બુધવારે બપોરે જેલ પાછળના મેઇન ગેટ ઉપર ઝડતી અમલદારની ફરજ ઉપર હતા. તે દરમ્યાન જૂનાગઢ મહાનગર પાલિકા ખાતેથી જીજે-૬- બીટી- ૬૪૮૯ નંબરની કચરા ગાડી લઈને ડ્રાઈવર મહેશ ભવાન વાઘેલા જેલમાં સલામતી વિભાગ પાસેનો કચરો લેવા માટે આવતા તેમની સાથે પુંજાભાઈ ગયા હતા. ત્યારે કચરા ગાડીમાં છુપાવેલ જેલ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ કાળા ઝબલામાં રાખી હતી.
આ વસ્તુઓ જેલના પાકા કામના કેદી અશોક ધનજી સોલંકી એ મંગાવેલ હોય તેને મહેશ વાઘેલાએ આપી દીધી હતી. આ દરમિયાન જેલ સહાયક પુંજાભાઈ ગરચરની નજર પડતા પાકા કામનો કેદી સર્કલ બાજુ દોડીને જતા તેનો પીછો કરીને તેની પાસેના ઝભલાની ચકાસણી કરતા તમાકુની ૩૦ પડીકી મળી આવી હતી. આ પછી કચરા ગાડીની ઝડતી કરતા ડ્રાઈવર સીટ નીચેની પેટીમાંથી તમાકુની ૨૪ પડીકી, તમાકુવાળા બે મસાલા, ચૂનાની ૬૦ ટોટી, છૂટક ૧૧ બીડી મળી આવી હતી. આથી જેલ સહાયક એ પાકા કામનો કેદી અને કચરા ગાડીનો ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)