તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિમાં દાત્રાણા, માણાવદર અને કણજા ગામોમાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઈમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે સતત કોલ્સ મળતાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા માટે મહાનગર પાલિકા, જૂનાગઢના કમિશનર તેજસ પરમારના માર્ગદર્શન તથા ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીંબડીયાના સંકલન હેઠળ ટીમો મોકલવામાં આવી હતી.
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન:
દાત્રાણા ગામમાંથી અંદાજે ૧૫ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું.
માણાવદર ગામમાંથી અંદાજે ૨૦ લોકો તથા ૭ પશુઓને બચાવવામાં આવ્યા.
કણજા ગામમાંથી ૧ વ્યક્તિને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા.
આ રીતે કુલ ૩૬ વ્યક્તિઓ અને ૭ પશુઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરીને જાનહાનિ ટાળવામાં સફળતા મળી. ફાયર શાખાના જવાનો વરસાદી પાણી વચ્ચે તાત્કાલિક ધોરણે પહોંચી જઇ રહેવાસીઓને બચાવીને સલામત સ્થાને પહોંચાડ્યા.
આ કામગીરીમાં મહાનગર પાલિકા, જૂનાગઢની ફાયર ટીમે સતત શ્રમ કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને જીવનદાયી સહાય પૂરી પાડી હતી. તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ હાલના વાતાવરણમાં સાવચેત રહેવું અને કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં તરત જ ઈમરજન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવો.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ