ગણેશ મહોત્સવ નિમિત્તે જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને જાળવી રાખવા તેમજ પર્યાવરણની સુરક્ષા માટે અસ્થાયી વિસર્જન કુંડ શરૂ કરવામાં આવ્યું છે.
આ વર્ષે પણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગણપતિજીની સ્થાપના બાદ વિસર્જન માટે ભવનાથ વિસ્તારમાં દુધેશ્વર મંદિર પાસેના વોટર વર્કસના સંપે, ઈન્દ્રભારતીજી બાપુના પ્રવેશ દ્વાર પાસે તથા ગિરનાર રોડ ઉપર તાત્કાલિક વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે.
આ કુંડોમાં મૃગી કુંડ, નારાયણ ધરો તથા દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોનું જળ ભરી ત્રીવેણી સંગમ તૈયાર કરવામાં આવ્યો છે. આજ રોજ માનનીય મેયર ધર્મેશભાઈ ડી. પોંશીયા, કમિશનર તેજસ પરમાર, ઉપમેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ અધ્યક્ષ પલ્લવીબેન ઠાકર સહિત મહાનગર પાલિકાના અધિકારીઓ, કોર્પોરેટરો, સાધુ-સંતો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા નાગરિકોની ઉપસ્થિતિમાં આ વિસર્જન કુંડનું શુભારંભ કરવામાં આવ્યું.
મહાનગર પાલિકા તરફથી નાગરિકોને આ અપીલ કરવામાં આવી છે કે, માટીના ગણપતિ (ઇકો-ફ્રેન્ડલી) મૂર્તિની સ્થાપના કરે અને આ અસ્થાયી વિસર્જન કુંડમાં જ વિસર્જન કરી પર્યાવરણ તથા વહેતા પાણીને પ્રદૂષિત થવાથી બચાવે.
વિશેષતા એ છે કે દર વર્ષે આ કુંડમાં આશરે ૨,૦૦૦ થી ૨,૫૦૦ જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન થાય છે. આ વર્ષે પણ ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક આ સુવિધા કાર્યરત રહેશે.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ