જૂનાગઢ મહિલા શરાફી સહકારી મંડળીની સેવા પ્રવૃત્તિઓએ આજે એક નવેસરનું પાન ઉમેર્યું છે. મહિલા મંડળી માત્ર બેંકિંગ સેવા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સમાજના ભવિષ્ય તરીકે ઓળખાતા વિદ્યાર્થીઓ માટે ઉત્સાહજનક કાર્યક્રમનું આયોજન કરી એક સુંદર સંદેશ આપ્યો છે.
આજ રોજ જૂનાગઢના સુખનાથ ચોક સ્થિત સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 4 થી 8 તથા બાલવાટિકા થી ધોરણ 3 સુધીના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો હતો. શાળામાં ઉચ્ચ ક્રમાંક મેળવનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મંડળી દ્વારા ખાસ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.
ધોરણ 4 થી 8 ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓને શાળા બેગ આપવામાં આવી.
બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 3 ના પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર બાળકોને લંચબોક્સ અને વોટર બોટલ આપી તેમની પ્રતિભાને વધાવી.
એ સિવાય, શાળાના તમામ વિદ્યાર્થીઓને ડ્રોઇંગ બુક વિતરણ કરીને તેમના સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોઈ શકાય હતી. સન્માન સમારંભમાં બાળકો ઉપરાંત વાલીઓ, શિક્ષકો અને મંડળીના હોદ્દેદારોની પણ ઊર્જાવાન હાજરી રહી.
આ પ્રસંગે જુનાગઢ મહિલા શરાફી સહકારી મંડળીના પ્રમુખ રસીલાબેન સોઢાએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય છે. તેમને પ્રેમ, માન્યતા અને યોગ્ય સાધનો મળવા જોઈએ. આ પ્રકારના સન્માન કાર્યક્રમો વિદ્યાર્થીઓના મનોબળમાં વધારો કરે છે અને આગળ વધવા માટેની પ્રેરણા આપે છે.”
મંડળીના સેક્રેટરી રૂપલબેન લખલાણી અને મેનેજિંગ ડિરેક્ટર અલકાબેન ઉપાધ્યાયે પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. કાર્યક્રમમાં ડાયરેક્ટર જશુબેન મહેતા, મેનેજર તન્વીબેન વૈષ્ણવ તેમજ અન્ય સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સહભાગીતા સાથે સમારંભ ખૂબ જ સફળ અને યાદગાર બન્યો હતો. mંડળીના આ નમ્ર પ્રયાસોથી અન્ય સંસ્થાઓને પણ આવા શૈક્ષણિક અને સેવાભાવી કાર્યો માટે પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.