જૂનાગઢ માં ભૂતનાથ મંદિર દ્વારા ગૌ શાળા નિર્માણ અર્થે ચાલતી ભાગવત કથા

જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરે ગૌશાળા નિર્માણના લાભાર્થે શરૂ થયેલી શ્રીમદ્ ભાગવત કથામાં બીજા દિવસે વ્યાસપીઠ પરથી ડો. મહાદેવપ્રસાદ મહેતાએ માનવીના જીવનમાં ધૃતિ એટલે કે ધૈર્યનુ મહત્વ સમજાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, વિપત્તિના સમયમાં પણ ધૈર્ય રાખો એનું નામ ધૃતિ. કંસે દેવકી અને વાસુદેવના 6 સંતાનોને મારી નાખ્યા છતાં દેવકી અને વસુદેવે ધૈર્ય ન છોડ્યું, 8 મા સંતાનને પણ મારી નાખવા પ્રયત્ન કર્યો એ વખતે જગદંબા સ્વરૂપે પ્રગટયા કંસના હાથમાંથી છટકી ગયા છતાં દેવકી કહે છે, તારો વાક નથી. આ અમારું ભાગ્ય હતું. કેવી કપરી સ્થિતિમાં પણ તેમણે ધૈર્ય ન છોડ્યું એટલે ભગવાન કૃષ્ણ આવ્યા. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભગવાનને ન ભૂલો તો ભગવાન આવે જ છે. ભગવાન આ કલિકાલમા પણ આવ્યા જ છે. ભગવાને આ સમષ્ટિને રાખવા માટે પણ નિષ્કામ કર્મ કર્યા છે. ભગવાન કૃષ્ણના દરેક કાર્ય નિષ્કામ હતા એટલે તેને લીલા કહે છે. એટલે તો મહાપુરુષોએ તેના ગુણગાન ગાવા પડે છે.

ડો. મહાદેવપ્રસાદે ભગવાનના અવતારો વિશે પણ ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ભગવાનના અનેક અવતારો છે. એમાં 24 અવતારો ઉપરાંત પણ ઘણા અવતારો છે. અવતાર એટલે આપણા મનમાં-શરીરમા જે ભાવ વૃતિ પ્રગટ થાય એ તેના વિવિધ અવતારો છે. જેમકે, દૈવી ગુણોને બહાર લાવવાની પ્રક્રિયા એ વરાહ છે. ક્યારેક તમારામાં સંયમ રાખીને જીવવાનો ભાવ જાગે તો એ નર નારાયણનો અવતાર છે એમ સમજવું, જ્યારે તમારી આસપાસ શું થઈ રહ્યું છે એની પણ તમને ખબર પડે તો એ ઋષભ અવતાર છે. જો તમે સતત જાગૃત રહેતા હોવ તો એ મત્સ્ય અવતારનુ સ્વરૂપ છે. માછલી એક ક્ષણ પણ પ્રવૃત્તિ વિના ન રહી શકે. ભગવાને બ્રહ્મનો ઉપદેશ આપવા માટે અવધૂત રૂપે અવતાર લીધો એ છે દત્તાત્રેયનો અવતાર જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ થાય છે. જો યોગ્ય વસ્તુ યોગ્ય વ્યક્તિને આપવી અને એ અયોગ્ય વ્યક્તિને ન આપવાનો ભાવ આવે તો એ મોહિની અવતાર છે. જો કોઈ કાર્ય કરીને પણ મનમાં પ્રસન્નતા ન આવે તો સમજવું કે ક્યાંક કંઈક અધૂરું છે. એ અધૂરાશ સદગુરુ જ દૂર કરી શકે. એ અધૂરાશને મધૂરાશમાં બદલવા ભગવાન પોતે ન આવે પણ તેનો ‘બંદો’ સદગુરુ આવે. માનવીને સાશ્વત સુખ જો મેળવવું હોય તો એ પ્રભુના ભજનમાં જ મળે એવું વિદ્વાન પુરુષો કહે છે.

સોમવારે કથા શ્રવણ માટે મહામંડલેશ્વર ગણેશદાસજી અને મહામંડલેશ્વર બજરંગદાસજી, માતાજી ગુરુજી – દત્ત મંદિર કુવાડવા, સરજુસ્વામી – સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)