જૂનાગઢ: સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં “બીગ બટરફ્લાય મंथ” અંતર્ગત “વન્ડર્સ ઓફ બટરફ્લાય” કાર્યક્રમનો આયોજિત.

પ્રકૃતિ અને વન્યજીવન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય, જુનાગઢ ખાતે “બીગ બટરફ્લાય મન્થ” ની વિશેષ શ્રેણીમાં “વન્ડર્સ ઓફ બટરફ્લાય” નામક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વન્યપ્રાણીઓ, પક્ષીઓ અને કીટકો વિશે જનજાગૃતિ લાવવી અને વિદ્યાર્થીઓમાં પ્રકૃતિપ્રેમને પ્રોત્સાહિત કરવો હતો.

કાર્યક્રમમાં આસપાસની 40થી વધુ વ્યક્તિઓ – શાળા શિક્ષકો, આચાર્યો, પ્રકૃતિપ્રેમીઓ અને જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓ – ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા. તેઓને વિવિધ પ્રકૃતિ સંરક્ષણ અને વન્યજીવન વિષયક માહિતી પ્રદાન કરવામાં આવી. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના નિયામક રાજદીપ એન. ઝાલા દ્વારા વિવિધ પ્રકારની પતંગિયાઓ અને તેમના જીવનચક્ર વિશે વિશદ માહિતી આપી, તેમજ પતંગિયાઓની દેખરેખ અને ઓળખવા માટે નેચર ટ્રેઇલનું આયોજન પણ કરવામાં આવ્યું.

પ્રકૃતિને નજીકથી અનુભવવા અને શીખવા માટેના આ અભ્યાસક્રમમાં સહભાગીઓએ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. કાર્યક્રમ અંતે સહભાગીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે પ્રેરણાસ્રોત બન્યું.

આ કાર્યક્રમને સફળ બનાવવા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના નિયામક, પરીક્ષેત્ર વન અધિકારી, વેટરનરી ડોક્ટર, વનપાલ, એજ્યુકેશન ઓફિસર, બાયોલોજિસ્ટ અને અન્ય કર્મચારીઓએ તેમનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. પ્રકૃતિપ્રેમીઓ અને વિદ્યાર્થીઓમાં વન્યજીવન અને પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે વધુ જાગૃતિ લાવવાનો આ કાર્યક્રમ મહત્વપૂર્ણ પગલું બન્યું છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ