જૂનાગઢ શહેરમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો અને રૂ. 50 લાખના ચેક રિટર્નના કેસમાં નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળ એક વર્ષની સજા પામેલો આરોપી ઈમ્તીયાજ તાલીબ ખોખર આખરે પોલીસના જાળમાં ફસાયો છે.
આ કામગીરી જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા ના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસને મળેલી ચોક્કસ હકિકતના આધારે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, માંગરોળના પ્રથમ મહેસૂલી કોર્ટમાં ચલાયેલા કેસ નંબર 2128/2021 હેઠળ આરોપી ઈમ્તીયાજ ખોખરને નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ રૂ. 50 લાખના ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠેરવી એક વર્ષની સજા ફરમાવવામાં આવી હતી. પરંતુ આ નિર્ણય પછી આરોપી ફરાર થઇ ગયો હતો અને પોલીસને સતત હાથ વળતો રહ્યો હતો.
પોલીસને મળેલી બાતમી પ્રમાણે ઈમ્તીયાજ ખોખર હાલમાં જુનાગઢના ઘાચીપટ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળતાં સી ડિવિઝન પોલીસના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડતા કોર્ટના પકડ વોરંટને અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં પ્રો. પો. ઇન્સપેક્ટર વિ.જે.સાવજ, પો.હેડ કોન્સ. પી.જે. વાળા, કે.ડી. ઝણકાત, સંજયભાઈ ચૌહાણ, દિનેશભાઈ જીલડીયા, દિલીપભાઈ ડાંગર અને મનીષભાઈ છુંબળ સહિતના સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ.