જૂનાગઢ, તા.૨૯ – જૂનાગઢ શહેરમાં ફરી એક વાર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે માનવતા અને સંવેદનાનો ઉત્તમ દાખલો પૂર્યો છે.
ઈન્દ્રેશ્વર ફોરેસ્ટ ગાર્ડ ચોકી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે એક તરુણી ત્યાં આવી પહોંચી છે અને મદદની જરૂર છે. આ જાણ થતાં જ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર પ્રિયંકા ચાવડા, મહિલા પોલીસ અધિકારી અસ્મિતા તથા પાઈલોટ રાહુલ ખાવડુ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.
ફોરેસ્ટ ગાર્ડ પાસેથી પ્રાથમિક માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે આ તરૂણી માતાની ઠપકાથી ઘરને છોડીને એકલી જ આવી પહોંચી હતી. તરૂણીએ જણાવ્યું કે, માતા દ્વારા વારંવાર ઠપકો આપવામાં આવતા અને અભ્યાસમાં ધ્યાન આપવાની તાકીદ થતાં તે ઘરની બહાર નીકળી ગઈ હતી.
અભયમ ટીમે તરુણીનું કાઉન્સેલિંગ કર્યું અને ત્યારબાદ પરિવાર સાથે સંપર્ક સાધ્યો. માતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જાણવા મળ્યું કે માતાએ દીકરીને ખોટા મિત્રોની સંગતથી દૂર રહેવા તથા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવ્યું હતું. દીકરીના પિતા સ્થળ પર હાજર હતા, જેમનું પણ ટીમે કાઉન્સેલિંગ કર્યું.
અંતે તરૂણીને સમજાવીને તેના પિતાને સોંપવામાં આવી હતી. દીકરીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા તથા યોગ્ય મિત્રોની પસંદગી કરવાની સલાહ આપવામાં આવી.
પોતાની દીકરી સુરક્ષિત રીતે ઘરે પરત આવતાં માતા-પિતાએ ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ