જેતપુરની ભાદર નદી પર નેશનલ હાઈવેના પુલનો એક બાજુનો ભાગ ક્ષતિગ્રસ્ત થતા પુલની એક બાજુનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો.

જેતપુર

જેતપુરની ભાદર નદી પર નેશનલ હાઈવેના પુલનો એક બાજુનો ભાગ ક્ષતિગ્રસ્ત થતા પુલની એક બાજુનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. અહીંથી યાત્રાધામ સોમનાથ, વેરાવળ-પોરબંદર જેવા બંદરોએ અવરજવર અને જેતપુર શહેરમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો હોય અને આ પુલ પરનો એક બાજુનો રસ્તો બંધ થતાં લાખો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

પુલ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં વારંવાર પુલની એક બાજુ ક્ષતિગ્રસ્ત થઈ જતી હોય તે પુલના કામમાં થયેલ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે.

જેતપુરના નવાગઢ પાસે ભાદર નદી ઉપર આવેલ નેશનલ હાઇ વેનો ર૭૦ મીટર લાંબો પુલ ૧૪ વર્ષ પૂર્વે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકાર્પણના થોડા જ સમયમાં પુલની એકબાજુનું સસ્પેશન કામ કરવાનું બંધ કરી દેતા ભારે વાહનો પુલ ઉપરથી પસાર થાય તો ખુબ જ મોટો અકસ્માત થવાની ભીતી સેવાવા લાગી હતી. જેથી હાઈવે ઓથોરિટી દ્વારા સલામતીના ભાગરૂપે વર્ષ ૨૦૧૬માં પુલની એક બાજુ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હાઈ વે ઓથોરિટી દ્વારા રીપેર કરતા થોડા મહિનામાં પુલ પર વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. પુલ નિર્માણમાં તો ભ્રષ્ટાચારની બૂમરેંગ ઉઠી હતી પરંતુ રીપેરીંગમાં પણ ભ્રષ્ટાચાર થતા પુલ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧માં પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો અને દર વખતે રીપેરીંગ કરી પુલને ચાલુ કરવામાં આવતો. ચાલુ વર્ષે પણ પુલનો રીપેરીંગ વાળો જ એક બાજુનો ભાગ ઘણી જગ્યાએથી બેસી ગયો હોય પાંચમીવાર પુલનો એક રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો.

ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવેના આ પુલની એક બાજુ પર જ વાહન વ્યવહાર ચાલુ હોય પુલની બંને બાજુએ વારેવારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. અને ભૂતકાળમાં પુલ પર કોઈ વાહન બંધ પડે તો પુલ પર બંને બાજુ પાંચ પાંચ કિમી સુધી વાહનોની કતારો લાગે તેવી પણ ભીતિ સર્જાય રહી છે. જેથી પુલ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ જેતપુરના શહેરીજનો આ પુલને તાત્કાલિક ભ્રષ્ટાચાર કર્યા વગર રીપેર કરી ખુલ્લો મુકવામાં આવે તેવી હાઈ વે ઓથોરિટી તરફથી માંગ કરી રહ્યા છે.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)