જેતપુરમાં એક માત્ર સરદાર ગાર્ડન બાળકો માટે અસલામત.

જેતપુર

એ. ગ્રેડની જેતપુર નગરપાલિકાને સરકાર દ્વારા અન્ય નગરપાલિકા કરતા અનેકગણી વધુ ગ્રાન્ટ આપે છે પરંતુ આ ગ્રાન્ટમાંથી પાલિકાના સત્તાધીશોએ એક પણ એવું નોંધપાત્ર વિકાસનું કામ નથી કર્યું જે કામો કર્યા છે. તેમાં ભ્રષ્ટાચારની શંકા છે. જેમાં બાળકોને હરવા – ફરવા અને રમવા માટેના બગીચાને પણ બાકાત નથી રાખ્યો. શહેરની દોઢ લાખની પ્રજા વચ્ચે એક માત્ર સરદાર ગાર્ડન આવેલો છે.

પરંતુ આ ગાર્ડન બાળકો માટે અસલામત અને અસુવિધાઓ ભરેલો છે અહીં પ્રથમ તો બાળક્રીડાંગણમાં સમુદ્રની રેતીને બદલે મોટા પથ્થરોવાળી ધુળવાળી રેતી પાથરવામાં આવી છે જેના બાળકો રમે તો ઇજાગ્રસ્ત થાય અને ધુળથી કપડા મેલા પણ થાય. તુટેલા હિંચકા, લસરીયાઓથી ભરમાર જોવા મળે છે. એટલે કે બાળકોને રમવા માટે અહીં એક પણ યંત્ર સાજુ નથી. બાળકો માટેના શૌચાલયો ગંદકી, કચરો, દારૂની બોટલ, કોથળીઓથી ભરાયેલા છે.

બાળક શું મોટેરાઓ પણ ઉપયોગ ન કરી શકે. મોડી સાંજે તો બાળક્રીડાંગણમાં ડર લાગવા માંડે કેમ કે અહીં લાઇટ તો છે પણ તેનું અજવાળું વચ્ચે જ પડે છે બાકીના ભાગમાં અંધારૂં છવાયેલ રહે છે. જેથી બાળકોને અંધારા બાજુ રમવા મોકલવા પણ હિતાવહ નથી.

જુલો છે પણ લૂલો છે, બેસો જો હીંચકે તો ચિપટી આવે ખીંચકે છે. રાઇડ્સમાં જરૂર બેસો, પણ તમારા જોખમે.. નગરપાલિકા કહે છે કે …લાગે ભાગે લોહીની ધાર આપણી ઉપર કાંઈ નહીં..

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા શહેરના 11 ગાર્ડન અને સ્મશાન ના મેન્ટેનન્સ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે અને તે અન્વયે દર મહિને 7 લાખ 25 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે .આ કોન્ટ્રાક્ટર દ્વારા જેતપુર સરદાર ગાર્ડનમાં કઈ પ્રકારનું મેન્ટેન કરવામાં આવતું નથી તે જોઈ ભ્રષ્ટાચાર થી ખદબદતી પાલિકાનો વરવો ચહેરો જોવા મળે છે. બાળક્રીડાંગણના હીચકા, તેમજ અનેક રાઈડ્સ ભાંગેલી તૂટેલી હાલતમાં હોવા છતાં આંખ આડા કાન કરતી નગરપાલિકા ના જવાબદાર અધિકારીઓને સહેજ પણ શર્મ આવતી નથી કે જાણે વહીવટદારશ્રીનો ડર બિલકુલ લાગતો નથી શહેરના ની જનતાની માંગ છે કે નગરપાલિકાના અધિકારીઓના બાળકોને તેઓ આ રાઇડ્સમાં બેસાડે તો અમે અમારી ફરિયાદ પાછી ખેંચી લેશું.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)