જેતપુર: શહેરમાં આજે દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 42 વર્ષીય પરપ્રાંતીય મહિલાનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. મળતી માહિતી મુજબ, કેરલ મૂળની રેશ્માબેન ભાસ્કરણ પુથાન જેતપુરમાં જુદીજુદી સ્કૂલોમાં બાળકોને અંગ્રેજી વિષયનું શિક્ષણ આપતી હતી.
મહિલા જેતપુરમાં એકલી રહેતી હતી અને આજે સવારે અચાનક તબિયત લથડી હતી. ઘટના સ્થળે હાજર પાડોશીઓએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ફરજ પરના તબીબે તપાસ કરીને મહિલાને મૃત જાહેર કરી હતી.
મહિલાની ઓળખ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હવે તેમના વાલીવારસનો સંપર્ક સાધવાનો પ્રયાસ શરૂ કર્યો છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાએ જેતપુરના શિક્ષણ ક્ષેત્રમાં પણ શોકની લાગણી છવી છે કારણ કે રેશ્માબેન બહોળા સમયથી શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા હતાં અને ઘણા વિદ્યાર્થીઓને અભ્યાસમાં માર્ગદર્શન આપ્યું હતું.
અહીં વધુ અપડેટ માટે જોડાયેલા રહો.
અહેવાલ : વિમલ સોંદરવા, જેતપુર