જેતપુરમાં બાંધકામને ખુલ્લા પ્લોટ દર્શાવી સ્ટેમ્પ ડયુટીની ચોરી કરનારાઓ સામે તપાસ.

જેતપુર

જેતપુરમાં ઇમારતોને ખુલ્લા પ્લોટ હોવાનું સોગંધનામું નામું રજૂ કરી બિલ્ડરો કારખાનેદારો લાખો રૂપિયાની સ્ટેમ્પ ડયુટી ચોરી કરતા હોવાની માહિતીને આધારે સ્ટેમ્પ ડ્યુટીના સુપરિટેન્ડસ્ટની ટીમ દ્વારા શહેરમાં છાપા મારતા હાલ પાંચેક આસામીઓ સ્ટેમ્પ ડયુટી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

જેતપુર શહેર જેતપુરમાં કારખાનેદારો તેમજ બિલ્ડરો તૈયાર ઇમારતો ખરીદી કર્યા બાદ તેના દસ્તાવેજમાં સ્ટેમ્પ ડયુટી ઓછી ભરવી પડે તે માટે બાંધકામને ખુલ્લા પ્લોટ હોવાનું સોગંધનામું રજૂ કરી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરતા હોવાની ફરીયાદ ઉઠી હતી. આ ફરીયાદ સ્ટેમ્પ ડયુટીની વડી કચેરી સુધી પહોંચતા વડી કચેરીએથી સુપરિટેન્ડસ્ટે પોતાની ટીમ સાથે જેતપુરમાં તપાસ હાથ ધરી હતી. આ અંગે સ્થાનિક સબ રજીસ્ટ્રાર પરેશ મૂછાળને પૂછતાં તેઓએ જણાવેલ કે, વડી કચેરીએથી તપાસ આવે તે અમોને જાણ ન કરે કે ક્યાં તપાસ કરી તે પણ અમોને ખબર ન હોય.

જેથી આ અંગે સબ રજીસ્ટ્રાર કચેરીના સુપરિટેન્ડસ્ટ ફિરોઝ બલાવાને પૂછતાં તેઓએ જણાવેલ કે, હા અમે જેતપુરમાં તપાસ કરીએ છીએ પણ તે અમારી રૂટીન તપાસ છે અને આ તપાસ હજુ ચાલુ જ છે આ દરમિયાન તૈયાર ઇમારતોના ખુલ્લા પ્લોટ અંગેના પાંચેક દસ્તાવેજ અમારી તપાસમાં બહાર આવ્યા છે અને તેઓને આવતા અઠવાડિયામાં નોટીસ કરી તેઓની પાસેથી પુરી સ્ટેમ્પ ડ્યુટી ભરાવવામાં આવશે.

આમ, શહેરમાં ઇમારતનું ખુલ્લા પ્લોટ અંગેનું સોગંધનામું કરનાર કારખાનેદારો, બિલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અને તેમાંથી ઘણાઓ તો ખુલ્લા પ્લોટનું સોગંધનામું સાચું દર્શાવા માટે તાત્કાલીક બાંધકામ પાડવા લાગ્યા છે. આવતા અઠવાડિયે સુપરિટેન્ડસ્ટની તપાસ અને નોટીસ બંને આવશે ત્યારબાદ ખોટું સોગંધનામું કરનાર ખુલ્લા પડશે તેવું સુપરિટેન્ડસ્ટના કથન પરથી કહી શકાય.

અહેવાલ :- કરન સોલંકી (જેતપુર)