વેરાવળ, તા. 6 — વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં 6થી 8 ઑગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસ ઉજવાઈ રહ્યા છે. આ અનુરોધે વેરાવળ ખાતે ટાવર ચોકથી સંસ્કૃત યુનિવર્સિટી સુધી ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન થયું, જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ અને 12 શૈક્ષણિક સંકુલોએ ભાગ લીધો.
યાત્રામાં ટેબ્લોના માધ્યમથી સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ, યજ્ઞસેવા અને વૈદિક સંસ્કૃતિનું જીવંત નિદર્શન કરાયું. વિદ્યાર્થીઓએ રામ-લક્ષ્મણ-જાનકી, શ્રીકૃષ્ણ-અર્જૂન, નારદમૂની જેવા પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી, ભારતીય સંસ્કૃતિનું તાદ્રશ્ય પ્રદર્શન કર્યું.
બેનરો પર ‘સંસ્કૃત ભાષા, સરળ ભાષા’, ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘રાષ્ટ્રની આત્મા, સંસ્કૃત ભાષા’, ‘જીવનનું સૌંદર્ય સંસ્કૃત છે’ જેવા સૂત્રો સાથે “જ્યાં સંસ્કૃત, ત્યાં સંસ્કૃતિ”નો સંદેશ આપવામાં આવ્યો. ડી.જે.ના માધ્યમથી ‘પઠત્ સંસ્કૃતમ્, વદત્ સંસ્કૃતમ્’ અને ‘જયતુ સંસ્કૃતમ્’ જેવા ગીતો-શ્લોકો સાથે સંસ્કૃત ભાષાનો પ્રચાર થયો.
કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, સંસ્કૃત યુનિવર્સિટી રજીસ્ટ્રાર ડૉ. મહેશકુમાર મેત્રા, ઈન્ચાર્જ કુલપતિ ડૉ. નરેન્દ્ર પંડ્યા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરિચા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી. મકવાણા અને અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ