ઝઘડિયાના ખરચી ગામેથી ચોરાયેલ ટ્રક સાથે બે ઇસમોને ઝઘડિયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા.

ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી તા.૧ લીના રોજ એક ટ્રકની રાત્રી દરમિયાન ચોરી થઇ હતી. ટ્રકમાં લગાવેલ જીપીએસ ના આધારે ટ્રક માલિકના મોબાઇલમાં સવારે ટ્રકનું લોકેશન મહારાષ્ટ્રના શિરપુર (ધુલિયા ) ખાતેનું બતાડતું હતું. ટ્રક ચોરી બાબતે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નંધાવાઇ હતી. ટ્રક ચોરીની ફરિયાદને લઇને ઝઘડિયા પીઆઇ આર.એચ.વાળાએ ઝઘડિયા પોલીસની ટીમને સદર ચોરાયેલ ટ્રકને શોધી કાઢવા કાર્યરત કરી હતી. દરમિયાન ટેકનીકલ સર્વેલન્સના આધારે ઝઘડિયા પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી શીરપુર ખાતેથી સદર ચોરાયેલ ટ્રક સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.

ઝઘડિયા પોલીસે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ ટ્રક ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખીને આ ગુના હેઠળ શાહરૂખ મુનાફ શેખ અને શોયેબ મુનાફ શેખ બન્ને રહે.શિરપુર મહારાષ્ટ્રનાને ઝડપી લઇને તેઓ સાથે અન્ય કોઇ ઇસમો સંડોવાયેલ છે કે કેમ અને અન્ય વાહન ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. વાલિયા પોલીસ સ્ટેશનમાં નંધાયેલ ટ્રક ચોરીના ગુના હેઠળ આરોપી શાહરૂખ શેખ વોન્ટેડ હોવાની વિગતો પણ સામે આવી હતી.ઝઘડિયા પોલીસે ચોરાયેલ ટ્રક સાથે આ ગુના હેઠળ બે આરોપીઓને ઝડપી લઇને ટ્રક ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો હતો.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)