ઝઘડિયાની દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે ગુજરાતી ભાષા દિવસ અને જન્માષ્ટમી પર્વની ઉજવણી.

ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દિવાન ધનજીશા હાઇસ્કુલમાં કૃષ્ણ જન્મોત્સવના પર્વ જન્માષ્ટમી અને કવિ નર્મદની જન્મજયંતિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો.શાળાના આચાર્ય મુકેશભાઇ ટેલરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર આયોજિત આ કાર્યક્રમમાં શાળાના પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર વિભાગના બાળકોએ ભાગ લઇ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહથી મનાવ્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા જેને ઉપસ્થિત સહુએ રસપૂર્વક નિહાળ્યા હતા.

ગુજરાતીના સાહિત્યને નવી દિશા આપનાર કવિ નર્મદની જન્મજયંતિ અને કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા

કૃષ્ણ જન્મોત્સવના પર્વ જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત આરતી તેમજ પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ઉપરાંત આજે તા.૨૪ મી ઓગસ્ટના રોજ કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે શાળામાં જન્માષ્ટમી પર્વની સાથેસાથે ગુજરાતી માતૃભાષા દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતી ભાષાને નવી દિશા આપનાર કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને કવિ નર્મદ વિષે જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ગુજરાતી સાહિત્યને આગળ વધારવામાં કવિ નર્મદનું મોટું યોગદાન રહ્યું હતું.કવિ નર્મદની જન્મજયંતિ ૨૪ મી ઓગસ્ટના દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.શાળામાં યોજાયેલ ગુજરાતી માતૃભાષા દિવસ અને જન્માષ્ટમી પર્વની ઉજવણીના કાર્યક્રમને ઉપસ્થિત સહુએ ઉત્સાહથી માણ્યો હતો. અંતે શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહુનો આભાર માન્યો હતો.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)