ઝઘડિયા તાલુકાના ખરચી ગામે મંદિર પાસે મુકેલ ટ્રક રાત્રી દરમિયાન ચોરાઇ જતા ચકચાર.

ભરૂચ

ઝઘડિયા તાલુકાના ખરચી ગામે અંબેમાતાના મંદિર પાસે મુકેલ ટ્રકની રાત્રી દરમિયાન ચોરી થતાં ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર અંકલેશ્વર ખાતે રહેતા નિલેશભાઇ નગીનદાસ શાહ રેતી કપચીના કાર્ટિંગનો ધંધો કરે છે. તેમની પાસેની કુલ ત્રણ ટ્રકો પૈકીની એક ટ્રકનો ડ્રાઇવર શનાભાઇ વસાવા ઝઘડિયા તાલુકાના ખરચી ભિલવાડા ખાતે રહે છે. હાલ ચોમાસાનો સમય હોવાથી આ ટ્રકને ડ્રાઇવર શનાભાઇ ગત રાત્રીના સમયે ખરચી ગામે અંબેમાતાના મંદિર પાસે મુકીને તેના ઘરે જતો રહ્યો હતો. ટ્રકમાં જીપીએસ લગાવેલ હોવાથી ટ્રક માલિક અવારનવાર મોબાઇલમાં ટ્રકમાં લગાવેલ જીપીએસથી ટ્રકનું લોકેશન ચેક કરતા હતા. દરમિયાન આજરોજ સવારના ટ્રકનું લોકેશન ચેક કરતા તેનું લોકેશન મહારાષ્ટ્રમાં આવેલ શિરપુર (ધુલિયા) ખાતેનું બતાડતા ટ્રક માલિકે ડ્રાઇવર શનાભાઇને ફોન કરીને ટ્રક જોવા સ્થળ ઉપર મોકલ્યો હતો ત્યારે ત્યાં ટ્રક હતી નહિ. તેથી ટ્રક માલિક પણ ખરચી ગામે આવ્યા હતા

અંકલેશ્વર ખાતે રહેતા ટ્રક માલિકે સવારે જીપીએસ થી ટ્રકનું લોકેશન ચેક કરતા ટ્રકનું લોકેશન મહારાષ્ટ્રના શિરપુર ખાતે બતાવતા ચોરીની જાણ થઇ

ટ્રક રાતના જ્યાં પાર્ક કરીને મુકેલ ત્યાં હતી નહિ અને સવારે તેનું લોકેશન મહારાષ્ટ્રના શિરપુર (ધુલિયા) ખાતેનું બતાવતું હોઇ ટ્રકને રાત્રી દરમિયાન કોઇ ચોર ઇસમ મહારાષ્ટ્રના શિરપુર (ધુલિયા)ખાતે ચોરીને લઇ ગયો હોવાની ખાતરી થઇ હતી. ટ્રક ચોરીની આ ઘટના સંદર્ભે ટ્રક માલિક નિલેશભાઇ નગીનદાસ શાહ રહે.અંકલેશ્વરનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)