ટંડેલની ભરતી પહેલાં ફરજિયાત પોલીસ વેરિફિકેશન – ગીર સોમનાથમાં જાહેરનામું.

ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાકિનારાને આવરી લેતો અને દેશવિદેશના હજારો પ્રવાસીઓને આકર્ષતો પ્રદેશ છે. અહીં પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત અનેક ધાર્મિક સ્થળો તેમજ પર્યટન સ્થળો આવેલા છે.

જિલ્લાની મોટી વસ્તી દરિયાઈ જીવનશૈલી સાથે સંકળાયેલી છે. ખાસ કરીને મત્સ્યઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર વેરાવળ ખાતે આવેલું છે. અહીં દરિયાઈ માછીમારી માટે ઘણા લોકો, ખાસ કરીને અન્ય જિલ્લાઓ કે રાજ્યોમાંથી લાવવામાં આવતા છે અને ટંડેલ તરીકે કામમાં મૂકવામાં આવે છે.

જાહેર સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા ૧૩ જુલાઈ ૨૦૨૫થી અમલમાં આવનાર જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ટંડેલને નિમણૂક કરતા પહેલાં ફરજિયાત પોલીસ વેરિફિકેશન કરાવવાની શરત ફરમાવાઈ છે.

જાહેરનામા મુજબ:

  • દરેક બોટ માલિકે પોતાને બોટમાં ટંડેલ તરીકે મૂકવાનાં વ્યક્તિનું પોલીસ ચકાસણી માટે નજીકના પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવી ફરજિયાત રહેશે.

  • પોલીસ ચકાસણી થયા બાદ જ ટંડેલને કામ પર મુકવાનો રહેશે.

  • સંબંધિત પોલીસ સ્ટેશને આવા વ્યક્તિઓના પૂર્વ ઇતિહાસ અને ઓળખ અંગે સંપૂર્ણ અને યોગ્ય ચકાસણી કરવાની રહેશે.

આ જાહેરનામું 60 દિવસ માટે અમલમાં રહેશે અને જો કોઈ બોટ માલિક આ જાહેરનામાનો ભંગ કરશે તો તેમનો વિરોધ કાયદેસર રીતે કરવામાં આવશે અને શિક્ષાને પાત્ર રહેશે.

જિલ્લામાં પ્રવાસીઓની સુરક્ષા અને આંતરિક કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


અહેવાલ : પ્રકાશ કારાણી – વેરાવળ, સોમનાથ