મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ, કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલની વિશેષ હાજરીમાં આવતીકાલે, તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે ૧૦ વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ખાતે રાજ્યકક્ષાનો ‘વિશ્વ સિંહ દિવસ’ ભવ્ય રીતે ઉજવાશે. આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
વન વિભાગના જણાવ્યા મુજબ, ‘વિશ્વ સિંહ દિવસ’નો હેતુ એશિયાઈ સિંહના સંવર્ધન અને સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં વસતા એશિયાઈ સિંહ રાજ્યના ગૌરવ સમાન છે અને હાલમાં સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં મુક્તપણે વિહરે છે. વર્ષ ૨૦૧૩થી ગુજરાતમાં આ દિવસ ઉજવાય છે અને તેને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક રેકોર્ડ મળ્યા છે.
ઉજવણીનું મુખ્ય સ્થળ ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ એશિયાટિક સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે ઉભરી રહ્યું છે. કુલ ૧૯૨.૩૧ ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય ૨૦૨૩થી સિંહોની વસાહત માટે ઓળખાય છે, જ્યાં હાલ ૧૭ સિંહોની નોંધ છે. અહીં શરૂ થયેલી જંગલ સફારીથી રોજગારી અને પ્રવાસન બંનેમાં વધારો થયો છે. માર્ચ ૨૦૨૫ સુધી ૨,૨૭૧ પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. રાજ્ય સરકાર દ્વારા અહીં રૂ. ૬૦ કરોડના ખર્ચે સફારી અને રૂ. ૧૦ કરોડના ખર્ચે ઇકો-ટુરિઝમ પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
તાજેતરની સિંહ ગણતરી મુજબ, ૨૦૨૦ની સરખામણીએ સિંહોની વસ્તી ૩૨% વધીને ૮૯૧ પર પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૦માં ‘પ્રોજેક્ટ લાયન’ની જાહેરાત કરી હતી, જેના અંતર્ગત રૂ. ૨,૯૨૭.૭૧ કરોડના ખર્ચે લાંબા ગાળાના સંરક્ષણના પ્રયત્નો ચાલી રહ્યા છે.
ગિર જંગલ, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્ય અભયારણ્યોમાં સિંહોના સંરક્ષણ માટે આધુનિક મોનીટરીંગ, વેટરનરી હોસ્પિટલ અને નેશનલ રેફરલ સેન્ટર જેવા પ્રોજેક્ટ પ્રગતિમાં છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ