ટીટોડી ગામના અલ્પેશ ભાઈ માકડીયાએ મળેલ પાકિટ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

કેશોદ તાલુકાના ટીટોડી ગામના રહેવાસી અને વ્યવસાયે ટ્રેક્ટર ચાલક અલ્પેશ ભાઈ માકડીયા તેમના ટુ-વ્હીલર પર ટ્રેક્ટર લેવા જઈ રહ્યા હતા ત્યારે પાનદેવ સમાજ નજીક એક પાકિટ મળી આવ્યું. તે પાકિટમાં મહત્વના ડોક્યુમેન્ટ્સ તેમજ રોકડ રકમ હાજર હતી. અલ્પેશ ભાઈએ આ પાકિટ પોતાને રાખવાના બદલે તરત જ માનવતા દાખવી કેશોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો.

પોલીસ સ્ટેશનમાં ઓળખાણ અને પાકિટ પરત

કેશોદ પોલીસ સ્ટેશનના P.S.O. જયેન્દ્રસિંહ સીસોદીયાને અલ્પેશ ભાઈએ સમગ્ર ઘટના જણાવી. પોલીસ દ્વારા મળેલ ડોક્યુમેન્ટના આધારે માલિકનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. બાદમાં માલિક આદિત્યરાજસિંહ જાડેજાને તેમની કિંમતવાન સામગ્રી પરત કરવામાં આવી. આ કાર્યથી અલ્પેશ ભાઈએ ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

પાકિટ માલિકે વ્યક્ત કર્યો આભાર

આદિત્યરાજસિંહ જાડેજાએ તેમની ગુમાવેલ કિંમતી વસ્તુ સલામત રીતે પરત કરવા બદલ કેશોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા અલ્પેશ ભાઈ માકડીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ: રાવલિયા મધુ, (કેશોદ)