ઘરઘર મુલાકાત, એક્સ-રે વાન અને સેમિનારો દ્વારા દર્દીઓની ઓળખ અને સારવાર પર ભાર
ગીર સોમનાથ જિલ્લામાં ટ્યુબર્ક્યુલોસિસ (ટી.બી.) રોગ સામે निर्णાયક લડત શરૂ થઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ૧૦૦ દિવસના વિશિષ્ટ અભિયાન અંતર્ગત દરેક ઘરમાં મુલાકાત લઈ વણ શોધાયેલા ટી.બી. દર્દીઓની ઓળખ કરી તેમને તાત્કાલિક સારવાર આપવા માટે વિશાળ સ્તરે આયોજન હાથ ધરાયું છે.
અભિયાનની મુખ્ય વિશેષતાઓ:
- ઘરઘર મુલાકાત: આશા બહેનો, આરોગ્ય કર્મીઓ અને ‘ટી.બી. ચેમ્પિયન’ દ્વારા લોકોની તબિયત વિશે પૂછપરછ.
- મોબાઈલ એક્સ-રે વાન દ્વારા નિદાન: જે લોકોમાં ટી.બી.ની શક્યતા જણાશે, તેમનો છાતીનો એક્સ-રે કરાશે.
- એન.એ.એ.ટી. ટેસ્ટ: શંકાસ્પદ કેસોમાં ગળફાના નમૂનાઓની લેબ ટેસ્ટિંગ દ્વારા નિદાન.
- ટી.બી. અટકાવા માટે ટી.પી.ટી. સારવાર: જ્યાં ચેપ લાગેલો હોય પણ લક્ષણ ન હોય, ત્યાં અઠવાડિયામાં ૩ ગોળી માટે ૧૨ અઠવાડિયાની સારવાર.
- ફોલોઅપ: દર્દીઓને દર ૬ મહિને ફરી તપાસ અને આવશ્યક મુજબ સારવાર.
જાગૃતિ અભિયાન સાથે સામાજિક સંકળાવ:
જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી ડૉ. શીતલ રામે માહિતી આપતાં જણાવ્યું કે, વિસ્તૃત જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે જેમાં શાળાઓ-કોલેજો, સેમિનાર, રેલી, પેમ્ફલેટ, વોલ પેઇન્ટિંગ, બ્લોગ, પોસ્ટર, પોડકાસ્ટ અને સોશિયલ મીડિયા (ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ) દ્વારા લોકોને ટી.બી.ના લક્ષણો અને સારવાર વિશે માહિતગાર કરાશે. સાથે જ ‘નિક્ષય મિત્ર’ કાર્યક્રમ અંતર્ગત દર્દીઓને રાશન કિટ વિતરણ પણ કરાશે.
ટી.બી. થવાની સંભાવના કોણે વધુ?
- 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ
- ધૂમ્રપાન કે મદપાનની ટેવવાળા
- અગાઉ ટી.બી. થયેલા અથવા ઘરમાં ટી.બી.ના દર્દી રહેલા
- એઈડસ, કેન્સર, ડાયાબિટીસ, શ્વાસદમ જેવી બીમારી ધરાવનાર
- વજન 45 કિલોથી ઓછું હોય તેવા પુખ્ત વ્યક્તિ
ટી.બી.ના સામાન્ય લક્ષણો:
બે અઠવાડિયાથી વધુ ખાંસી, તાવ, ભૂખ ન લાગવી, વજન ઘટવું, રાત્રે પરસેવો આવવો, ગલ્ફામાં લોહી આવવું, શ્વાસ લેવામાં તકલીફ, ગરદનમાં ગાંઠ વગેરે.
આ અભિયાનનો મુખ્ય હેતુ છે — શિઘ્ર નિદાન, પૂર્ણ સારવાર અને નવા કેસો અટકાવી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને ‘ટી.બી. મુક્ત જિલ્લો’ બનાવવાનો.
📍 અહેવાલ: પ્રકાશ કારાણી – વેરાવળ