ટેક્ષ્ટાઇલની હાઇસ્પીડ મશીનરી પરથી QCOને નાબૂદ કરવા અથવા તેના અમલને બે વર્ષ લંબાવવા ચેમ્બરની ભારતના ટેક્ષ્ટાઇલ કમિશનરને રજૂઆત!

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી અને માનદ્‌ મંત્રી નિરવ માંડલેવાલાએ સોમવાર, તા. ૭ એપ્રિલ, ર૦રપના રોજ મુંબઇ ખાતે ભારત સરકારના ટેક્ષ્ટાઇલ કમિશનર સુશ્રી રૂપ રાશી સમક્ષ વેપાર – ઉદ્યોગોને નડતા વિવિધ પ્રશ્નોની રૂબરૂ રજૂઆત કરી હતી.

આ સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ભારતના ટેક્ષ્ટાઇલ કમિશનર રૂપ રાશી સમક્ષ વેપાર – ઉદ્યોગોને નડતા વિવિધ પ્રશ્નોની રજૂઆતમાં મુખ્યત્વે કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર (QCO)ના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટેની હાઇસ્પીડ મશીનરી પર તા. ર૮ ઓગષ્ટ, ર૦રપથી કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર અમલી કરવામાં આવનાર છે. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો મોટા ભાગે હાઇસ્પીડ ટેક્ષ્ટાઇલ મશીનરી વિદેશથી આયાત કરે છે ત્યારે QCOના અમલીકરણને કારણે આ હાઇસ્પીડ ટેક્ષ્ટાઇલ મશીનરી આયાત થતી અટકી જશે.

ભારત સરકાર દ્વારા વર્ષ ર૦૩૦ સુધીમાં ભારતનું ટેક્ષ્ટાઇલ માર્કેટ ૩૦૦ બિલિયન યુએસ ડોલર સુધી આંકવામાં આવ્યું છે, જે હાલમાં ૧પ૦ બિલિયન યુએસ ડોલર છે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આગામી પાંચ વર્ષમાં ૪૦ હજાર મોડર્ન વિવિંગ મશીનરીની જરૂરિયાત ઉભી થવાની છે. એવી જ રીતે હાઇસ્પીડ એમ્બ્રોઇડરી મશીનરી પણ વિદેશથી આયાત થાય છે. ભારત પાસે અત્યારે ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે પોતાનું વિશ્વ કક્ષાની હાઇસ્પીડ મશીનરી છે જ નહીં. આવા સંજોગોમાં ટેક્ષ્ટાઇલની હાઇસ્પીડ મશીનરી પર QCO અમલી થઇ જશે તો વિદેશથી મશીનરીની આયાત બંધ થઇ જવાને કારણે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ અટકી જશે. હાલ ભારતમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ, કૃષિ બાદ સૌથી વધુ રોજગારી પૂરો પાડનારો બીજા ક્રમાંકનો ઉદ્યોગ છે, આથી તેની સીધી અસર રોજગાર પર પડશે અને તેની ગંભીર અસર ભારતની અર્થ વ્યવસ્થા પર પણ પડી શકે છે.

ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, સુરત નજીક નવસારી પાસેના વાંસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્ક બની જઇ રહયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ખાનગી ટેક્ષ્ટાઇલ પાર્ક પણ બની રહયા છે ત્યારે QCOના અમલને કારણે વિદેશથી ટેક્ષ્ટાઇલની હાઇસ્પીડ મશીનરીની આયાત બંધ થઇ જશે તો ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં રોકાણ અટવાઇ જશે અને તેની વિપરીત અસર પીએમ મિત્રા પાર્ક તથા અન્ય ખાનગી ટેક્ષ્ટાઇલ પાર્ક પર પણ પડશે, આથી હાઈસ્પીડ ટેક્ષ્ટાઇલ મશીનરી પરથી QCOને નાબૂદ કરવામાં આવે અથવા જ્યાં સુધી હાઇસ્પીડ ટેક્ષ્ટાઇલ મશીનરીનું ઉત્પાદન ભારતમાં શરૂ નહીં થતું ત્યાં સુધી QCOના અમલીકરણને બે વર્ષ માટે લંબાવવા ટેક્ષ્ટાઇલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.