ડભોઇના જનતાનગર વિસ્તારમાં ખાડાખોદીના કારણે ભારે હાલાકી : નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે નાગરિકોમાં અસંતોષ

પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ થયાં બાદ ખાડા ફરી ભર્યા નહીં, બાળકો અને વાહનચાલકો ઈજાગ્રસ્ત થવાના બનાવો સર્જાયા

ડભોઇ, તા. ૨૧ મે:
ડભોઇ શહેરના જનતાનગર વિસ્તારમાં પીવાના પાણી માટેની પાઇપલાઇન નાખવા માટે કરાયેલા ખોદકામ બાદ કામગીરી પૂરી થઇ હોવા છતાં કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા દ્વારા ખાડા સમારવામાં કઈંક પણ ગંભીરતા દાખવવામાં ન આવતા વિસ્તારમાં જનજીવન દુષ્કર બન્યું છે. નાગરિકો રોજબરોજ અકસ્માતો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા રિફિલ કરીને સિમેન્ટ કોંક્રીટ નાખવાનું કામ કરવાનું રહવાનું હોય, જેના કારણે રસ્તાઓ અસુરક્ષિત બની ગયા છે. નાના બાળકો રમતાં રમતાં ખાડામાં પડીને ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે, જ્યારે અનેક વખત બાઇકચાલકો ખાબકી ઇજાઓ વેઠી રહ્યા છે.

આ જ ઉપરાંત ખાડાઓના કારણે નગરપાલિકાનું પાણી પૂરું પાડતું ટેન્કર તેમજ કચરા ઉઠાવતી વાહન સેવા પણ જનતાનગર વિસ્તારમાં ન આવતાં ગૃહિણીઓ પણ ભારે પરેશાન છે.

સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા અને ચૂંટાયેલા નગરસેવકો પર આક્ષેપ મૂકતાં જણાવ્યું કે, “વોટ લેવા તો દર ઘરના દરવાજા ખખડાવાય છે, પણ એવી અસરકારક કામગીરી હોય ત્યારે કોઈ નજરે નથી પડતું.”

હાલતમાં વહેલી તકે ખાડાઓને પાટીને રસ્તાને મજબૂત બનાવવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવે નહીં તો સ્થાનિક લોકો દ્વારા તીવ્ર રોષ પ્રગટાવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

અહેવાલ: વિવેક જોષી, ડભોઇ