ડભોઇમાં ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી: ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતા હેઠળ ભવ્ય શોભાયાત્રા યોજાઈ

ડભોઇ (રિપોર્ટર: વિવેક જોષી):
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામજીની જન્મ જયંતિ નિમિતે આજે ડભોઇ નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દર્ભાવતી ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ અને તેમના અધ્યક્ષસ્થાને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

શોભાયાત્રા આયુષ સોસાયટી સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિરે થી પ્રારંભ થઈ હતી અને નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ટાવર ચોક ખાતે આવેલા રામજી મંદિરે પૂરી થઈ હતી. પવિત્ર ભજન-કીર્તન અને ધામધૂમથી યોજાયેલ આ યાત્રામાં નગરજનોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો.

આ પ્રસંગે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આંતકી હુમલા પર ધારાસભ્ય શૈલેષ મહેતાએ નિવેદન આપતાં જણાવ્યું કે, “આ હુમલો સમગ્ર હિંદુ સમાજ પર વજ્રઘાત સમાન છે.” શાંતિપૂર્ણ વિરોધ રૂપે યાત્રામાં ભાગ લેનાર તમામ લોકોએ કાળી પટ્ટી ધારણ કરી આતંકવાદનો વિરોધ નોંધાવ્યો હતો.

શોભાયાત્રામાં વિવિધ અગ્રણીઓ જેવી કે મીનાબેન મહેતા (બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ), ચિરાગભાઈ જોશી (વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન), ડો. બી.જે. બ્રહ્મભટ્ટ, શશીકાંતભાઈ પટેલ, અશ્વિનભાઈ વકીલ, બીરેન શાહ, સોનલબેન સોલંકી, કેયુરભાઈ ઠાકોર અને વિશાલ શાહ સહિત શહેર અને તાલુકાના હજારો હિન્દુઓ અને સનાતનધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.