ડભોઇમાં ભાજપના ૪૬મા સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું: ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સફળતાનું શ્રેય કાર્યકર્તાઓને આપ્યું!

ડભોઇ: ભારતીય જનતા પાર્ટીના ૪૬માં સ્થાપના દિવસના શુભ અવસરે ડભોઇ વિધાનસભા ક્ષેત્રમાં “સક્રિય કાર્યકર્તા સંમેલન”નું આયોજન ભવ્ય રીતે ડભોઇ જયસ્વાલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું. આ સંમેલનમાં ખાસ હાજરી અને અધ્યક્ષસ્થાની ભૂમિકા નિભાવનાર ડભોઇના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ કાર્યકર્તાઓને સંબોધતા શ્રદ્ધા અને ઉત્સાહભેર જણાવ્યું કે –

“મારી ફરીથી વિજયી થવાની સફળતા મારી નહીં, પરંતુ દરેક નિષ્ઠાવાન કાર્યકર્તાની છે, જેમના પરिश્રમ વિના આ શક્ય બનતું ન હોત.”

તેમણે કાર્યકર્તાઓને શિખામણ આપતા કહ્યું કે જો દરેક કાર્યકર્તા પોતાનો બુથ મજબૂત કરશે, તો આખી પાર્ટી મજબૂત બનશે. તેઓએ ભાજપની શૂન્યથી શરૂ થયેલી યાત્રાથી લઈને આજની તારીખે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરવાની કહાનીને ઉજાગર કરી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપકોના બલિદાન અને યોગદાનનું વિશદ વર્ણન કર્યું.

તેમજ, ધારાસભ્યશ્રીએ ડભોઇ વિધાનસભા વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યો વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી – નગરપાલિકા હોય કે તાલુકા સ્તર, તમામ વિકાસની યાત્રા અને જનહિતના કાર્યો વિશે તેમણે વિગતવાર જણાવીને કાર્યકર્તાઓને પ્રેરણા આપી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં વડોદરા જિલ્લા મહામંત્રી ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ, જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશીકાંતભાઈ પટેલ, તાલુકા પ્રમુખ દેવેન્દ્રભાઈ ઠાકોર (દેવા), શહેર પ્રમુખ દીક્ષિત દવે, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, ભાવેશભાઈ પટેલ (નડાવાળા), નિરવભાઈ પટેલ (એન. આર.), મહિલા પ્રમુખ સોનલબેન સોલંકી, તથા સામાજિક કાર્યકર્તા કેયુરભાઈ ઠાકોર વગેરેની મહત્વપૂર્ણ હાજરી રહી હતી.

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો, મહામંત્રીશ્રીઓ તથા કાર્યકર્તાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો.

રિપોર્ટર: વિવેક જોષી, ડભોઇ