ડભોઇ, તા. 12 એપ્રિલ 2025
ડભોઇ નગરપાલિકા પાછળના વિસ્તારમાં આવેલી ડાહ્યા ના બંગલા નજીક આજે એક હ્રદયદ્રાવક ઘટના બની હતી, જ્યારે એક 38 વર્ષીય વિકલાંગ યુવાન અબ્બાસભાઈ મહેબુબભાઈ ટોલ્લાવાલા પર એક રખડતી ગાયે સિંગ વડે ઘાતક હુમલો કર્યો. ગાયના મોઢામાં યુવાનનું કાન આવી જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને લોહી લુહાણ હાલતમાં તેની તાત્કાલિક સારવાર માટે ડભોઇ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે તેને વડોદરા રિફર કરવામાં આવ્યો છે.
દર્દનાક બનાવ – જાહેર સલામતી પર ભીડનું ધ્યાન:
અબ્બાસભાઈ તેમના ઘરની બહાર શાંતિથી બેઠેલા હતા ત્યારે અચાનક ગાયે હુમલો કર્યો. ગાયના સિંગ દ્વારા જીવલેણ ઘા મારી લોહી લુહાણ હાલતમાં ફેરવી દીધો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ આ બનાવ માત્ર એક દુર્ઘટના નહીં, પણ રખડતા ઢોરોની સમસ્યાની ગંભીરતાની સામે મોટો પ્રશ્ન છે.
8.30 લાખની ફાળવણી છતાં ખંડેર ઢોર ડબ્બા – નગરપાલિકા નિષ્ક્રિય:
આ ઘટના એ સમયે વધુ ગંभीर બને છે જ્યારે જાણવા મળ્યું છે કે ડભોઇ નગરપાલિકાને રખડતા ઢોર માટે રૂ. 8.30 લાખની ફાળવણી મળી છે. છતાં પણ ઢોર પકડવા માટે કોઈ કાયમી વ્યવસ્થા કે ઢોર ડબ્બાની મરામત કરવામાં આવી નથી. હાલના ઢોર ડબ્બા ખંડેર જેવી હાલતમાં છે.
જાહેરમાં હાહાકાર – તંત્ર પર ઉઠેલા સવાલો:
આ ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે પૂરતી કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આવા જીવલેણ બનાવો સર્જાય છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આવી ઘટનાઓ ફરીથી સર્જાય તેવી સંભાવનાઓ વટાવી શકાતી નથી.
અહેવાલ: વિવેક જોષી, ડભોઇ