ડભોઇ જનસેવા કેન્દ્રમાં અરજદારો હેરાન: માત્ર એક ઓપરેટર હોવાને કારણે ચાર-ચાર કલાક લાઈનમાં ઊભા રહેવાની ફરજ

ડભોઇ, તા.૨૮ મે:
ડભોઇ તાલુકા સેવા સદન ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં લોકો આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડમાં ફેરફાર તથા અન્ય દસ્તાવેજોની પ્રક્રિયા માટે સવારે વહેલા થી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બની ગયા છે. શાળાઓ શરૂ થવાની તૈયારી વચ્ચે હાલ અરજદારોની ભીડ વધી રહી છે અને માત્ર એક જ કોમ્પ્યુટર ઓપરેટર હોઈ લોકો કલાકો સુધી રાહ જોવાનો વારો આવે છે.

ડભોઇ તાલુકાના ૧૧૮થી વધુ ગામોના લોકો આવકનો દાખલો, જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ ઉમેરવા-કમ કરવા તેમજ નવીન રેશનકાર્ડ બનાવવા જેવી અરજીઓ માટે અહીં જનસેવા કેન્દ્રનો આશરો લે છે. પરંતુ માત્ર એક ઓપરેટર હોવાને કારણે દરરોજ ભીડ રહે છે અને લોકો ૩ થી ૪ કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બને છે.

અરજદારોનો ઉલ્લેખ છે કે, ઘણી વખત ઈન્ટરનેટ સર્વર ડાઉન રહેવા પામે છે અને કામમાં વિલંબ થાય છે. લોકો વહેલી સવારે કેન્દ્ર પર પહોંચી જાય છે અને ઘણીવાર સાંજ સુધી પણ તેમની વારી નહિ આવે. આ સ્થિતિમાં વધારાની વ્યવસ્થા કરવી જરૂરી છે.

અરજદારોની માંગ: વધુ ઓપરેટર અને સુવિધા વધારાય

અરજદારોની સ્પષ્ટ માંગ છે કે, સરકારે જો વાસ્તવમાં ‘ઝડપી સેવા’નો ઉદ્દેશ્ય ધરાવતો હોય તો ડભોઇ જનસેવા કેન્દ્રમાં વધુ કોમ્પ્યુટર ઓપરેટર તેમજ ઉપકરણો ઉપલબ્ધ કરાવવા જોઈએ જેથી અરજદારોનો સમય બચી શકે અને હેરાનગતીમાંથી રાહત મળી શકે.

સરકાર ઘર ઘરમાં જઈને રેશનકાર્ડ તથા દાખલાની કામગીરી કરી રહી છે એવું કહે છે, ત્યારે અહીંcenters પર હજુ પણ લોકો લાઈનમાં ઊભા જોવા મળે છે, એ તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે.

અહેવાલ : વિવેક જોષી , ડભોઇ