ડભોઇ તાલુકામાં પૂરઝડપે બાઈક હંકારી જતા યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત

સાંજના સમયે સાઠોડ અને શંકરપુરા ગામ વચ્ચે સર્જાયો અકસ્માત, સારવાર માટે વડોદરા SSG ખસેડાયા

ડભોઇ, તા. ૨૧ મે:
ડભોઇ તાલુકાના સાઠોડ અને શંકરપુરા ગામ વચ્ચે આજે સાંજે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારવામાં આવી રહેલી બાઈક અકસ્માતગ્રસ્ત થતા બાઈકચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સણોર ગામના રહેવાસી યોગેશભાઈ દિલુભારતીભાઈ ગોસાઈ, તાલુકાના કુંઢેલા ગામે આવેલી યુનિવર્સિટીમાં સિક્યુરિટીનો જવાબ સંભાળી ઘેર પરત ફરી રહ્યા હતા, ત્યારે માર્ગ દરમિયાન સાઠોડ-શંકરપુરા વચ્ચે પૂરઝડપે બાઈક હંકારતા તેઓ કાબૂ ગુમાવી બેઠા હતા.

બાઈક રોડની સાઇડમાં આવેલા ઝાડ સાથે અથડાતાં યોગેશભાઈને માથા તથા શરીર પર ગંભીર ઇજાઓ પહોંચતાં આસપાસના સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી પ્રથમ તબક્કે તેમને ડભોઇની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરંતુ તબીબોની સલાહ પ્રમાણે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ: વિવેક જોષી, ડભોઇ