ડભોઇ નગરપાલિકા દ્વારા 100થી વધુ નિવૃત કર્મચારીઓને વર્ષોથી બાકી નાણાંની ચૂકવણી – ગુજરાત સ્થાપના દિવસે ન્યાય મળ્યો

📍 સ્થળ: ડભોઇ, વડોદરા જિલ્લા

📅 તારીખ: 3 મે, 2025

✍ રિપોર્ટર: વિવેક જોષી – ડભોઇ

🔹 લીડ:

વર્ષોથી પેન્ડિંગ રહેલા ગ્રેચ્યુઇટી, રજા પગાર અને છઠ્ઠા પગારપંચના તફાવતના નાણાં હવે આખરે ચૂકવાયા છે. ડભોઇ નગરપાલિકા દ્વારા આજે 100થી વધુ નિવૃત કર્મચારીઓને ચેક અર્પણ કરીને તેમના નાણાં ચૂકવવામાં આવ્યા, જેને લઈ કર્મચારીઓમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો.

📝 વિગતવાર સમાચાર:

ડભોઇ નગરપાલિકા દ્વારા કાયમી કર્મચારીઓ કે જેઓ વય નિવૃત્ત થયા છે, તેમને વર્ષ 2016થી બાકી રહેલી ગ્રેચ્યુઇટી અને રજા પગારની રકમ તેમજ 2011થી બાકી છઠ્ઠા પગારપંચના તફાવતની રકમ ચૂકવવામાં આવી છે.

આ બાબતે નગરપાલિકાની નબળી આર્થિક સ્થિતિને લીધે ચુકવણીમાં વિલંબ થતો હતો, જેના કારણે ઘણાં નિવૃત કર્મચારીઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.

વિષયને લઇને ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) દ્વારા રાજ્ય સરકારમાં દ્રઢ રજુઆત કરવામાં આવી હતી, જેના પગલે ગુજરાત સરકારશ્રી દ્વારા શ્રીનિધિ લોન હેઠળ ₹7.42 કરોડની રકમ મંજૂર કરવામાં આવી.

ગુજરાત સ્થાપના દિવસના શુભ અવસરે આજના દિવસે આ તમામ નાણાંની ચુકવણી કરવામાં આવી હતી. નિવૃત કર્મચારીઓ તથા તેમના પરિવારજનોએ આ પ્રસંગે ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મહેતા, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, નાણાંપંચ ચેરમેન અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

પ્રસંગે ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મહેતા સાથે ચીફ ઓફિસર જયકીશન તડવી, પ્રમુખ, નાણાંપંચ ચેરમેન, પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર, વૈભવભાઈ આચાર્ય તથા પાલિકાના કોર્પોરેટરો તેમજ નિવૃત કર્મચારીઓની વિશાળ હાજરી જોવા મળી હતી.