ડભોઈ બોડેલી રોડ પર કપચીના ઢગલાંને કારણે સર્જાયો અકસ્માત

વડોદરા

છોટાઉદેપુરના કાછેલ ગામનું બાઇકસવાર દંપતી ડભોઈ બોડેલી રોડ પર કપચીના ઢગલાંને કારણે અકસ્માત, મહિલાનું મોત નીપજ્યુંકોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ડભોઈ બોડેલી રોડ ઉપર કપચીના ઢગલાને કારણે અકસ્માતમાં ભોગ બનેલ દંપતી પૈકી મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક યુવકને ઈજા થતા ડભોઇ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે વાહન વ્યવહાર કરતા લોકોને અકસ્માતનું જોખમ રહ્યું હોય ત્યારે કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેવી માગ ઉઠી છે.ડભોઈ બોડેલી રોડ ઉપર પનસોલી નજીક રોડનાં કોન્ટ્રાકટર દ્વારા કપચીના ઢગલા રોડ ઉપર ખડકી દેવામાં આવ્યા હોય રાત્રીના અંધારામાં સામેથી આવતા વાહનો અને રોડના સફેદ પટાથી અડધો ફૂટ સુધી ખડકી દીધેલા કપચીના ઢગલા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે.ડભોઈ બોડેલી રોડ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે પડી રહેલા કપચીના ઢગલાને લઈ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું.કાછેલ ગામનું દંપતી વડોદરા કામ અર્થે મોડી સાંજે બાઈક લઈ નીકળ્યું હતું. તે અરસામાં રાત્રીના અંધારામાં તેમની બાઈક કપચીના ઢગલા સાથે અથડાઈ અને બંને પતિ પત્ની રોડ ઉપર ફંગોળાયા હતા.જ્યારે બનાવમાં રૂનીબેન કરનભાઈ રાઠવા જેઓ ગર્ભવતી હતા. માથાના ભાગે ઈજા થતા ઘટના સ્થળ ઉપર તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકચાલક કરનભાઈ ધનસિંગ ભાઈ રાઠવાને માથા તેમજ હાથે ઈજા થતા ૧૦૮ની મદદથી ડભોઈ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતાં.રોડ ઉપર પડેલા કપચીના ઢગલાને કારણે નાના મોટા અકસ્માતોને ખુલ્લું નિમંત્રણ મળતું હોય ત્યારે કોન્ટ્રાકટર દ્વારા કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેવી વ્યાપક માગ ઉઠી છે.

અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)