ડભોઈના રાધે કોમ્પ્લેક્સ નજીક ખાંડામાં આવેલી “નવદુર્ગા ટ્રેડર્સ” ભંગાર દુકાનના વેપારી પાસેથી એક અજાણ્યો શખ્સ રૂપિયા 60,000 ભરેલી થેલી ખેંચી ભાગી ગયો હતો. દુકાન બંધ કરતી વેળાએ વેપારીએ હાથમાં થેલી પકડી રાખી હતી, ત્યારે આરોપીએ ધક્કો મારી થેલી ઝૂંટવીને ફરાર થઈ ગયો.
આ મામલે વેપારીએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી. નેટ્રમ કમાન્ડ સેન્ટર તથા ખાનગી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ ડભોઈની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના રહેવાસી ગોકુલભાઈ વિજયભાઈ દેવીપૂજક તરીકે કરી.
હ્યુમન સોર્સના સહયોગથી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલી લીધો છે. આ સમગ્ર ઘટનામાં ડભોઈ પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
– રિપોર્ટર: વિવેક જોષી, ડભોઈ