ડાકોરમાં ભવ્ય ફાગણોત્સવ: 2000થી વધુ પોલીસ જવાન તૈનાત, સુરક્ષા અને સુવિધાઓની વિશેષ તૈયારીઓ.

ડાકોરના રણછોડરાયજી મંદિરે ફાગણોત્સવ ધામધૂમથી ઉજવવા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તા. 14 અને 15 માર્ચ દરમિયાન યોજાનારા આ પવિત્ર મેળા માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને શ્રદ્ધાળુઓની સલામતી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ફાગણોત્સવ દરમિયાન સુરક્ષા અને સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. મેળા દરમિયાન 8 અલગ-અલગ સેક્ટરમાં કુલ 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી અને પીટીઝેડ કેમેરા મારફતે મેલા અને દર્શનસ્થળોની કડક નજરદારી રાખવામાં આવશે.

પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે, જેમાં પાણી, પ્રાથમિક સારવાર, સેનીટેશન, ક્લોરીનેશન તેમજ આરામગૃહોની સુવિધા સામેલ છે. ગોમતી તળાવ, ગળતેશ્વર મંદિર અને અન્ય મહત્વના સ્થળોએ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આપત્તિજનક પરિસ્થિતિઓ માટે ફાયર બ્રિગેડની ટીમો અને કુશળ તરવૈયાઓ પણ તૈનાત રહેશે.

મેળા દરમિયાન વીજ સંબંધી અકસ્માત ટાળવા તમામ ઓપન વાયર, ડીપી અને વીજ થાંભલાઓની તપાસ અને સમારસંભાળ માટે સત્તાવાર નિર્દેશ આપવામાં આવ્યા છે. ટેલિફોન અને મોબાઇલ નેટવર્ક સામાન્ય રીતે કાર્યરત રહે એ માટે સેલ્યુલર કંપનીઓને પણ જરૂરી સૂચનાઓ અપાઈ છે.

ડાકોરમાં શ્રદ્ધાળુઓના વિશાળ પ્રતિસાદ અને ભક્તિભાવને ધ્યાનમાં રાખીને ફાગણોત્સવની ભવ્ય ઉજવણી માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.

અહેવાલ :- ગુજરાત બ્યુરો