ડારી ગામે શંકાસ્પદ રીતે જથ્થાબંધ સરકારી અનાજ ઝડપાયું, રૂ. 3.76 લાખનો મુદ્દામાલ સીઝ.

ગીર સોમનાથ જિલ્લામાં શંકાસ્પદ રીતે સરકારી અનાજ સંગ્રહ અને હેરાફેરી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે જિલ્લા તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. કલેક્ટર એન.વી. ઉપાઘ્યાયની સૂચના હેઠળ અને જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકાના ડારી ગામે આકસ્મિક ચેકિંગ કરાયું હતું.

પુરવઠા નિરીક્ષકની ટીમે ડારી ગામના નવાપરા રોડ વિસ્તારમાં સ્થાનિક સ્તરે સરકારી અનાજના અવૈધ સંગ્રહ અને સંભવિત વેપાર અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક ખાનગી મકાનમાંથી શંકાસ્પદ રીતે મોસાળેલા મોટા જથ્થામાં અનાજ મળી આવ્યું હતું.

જ્યાંથી ઘઉં – 1505 કિ.ગ્રા, ચોખા – 805 કિ.ગ્રા, બાજરો – 15 કિ.ગ્રા મળ્યા હતા. આ સિવાય અનાજના તોલ માટે વપરાતી 3 વજન કાંટા મશીનો, પરિવહન માટે 2 છકડો રીક્ષા અને 1 છોટા હાથી વાહન પણ સ્થળ પરથી મળી આવ્યા હતા.

આ તમામ જથ્થો અને સાધનો સાથે કુલ મૂલ્ય રૂ. 3,76,710/- જેટલો મુદામાલ સીલ અને સીઝ કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન કોઇ અધિકૃત પરવાનગી કે દસ્તાવેજો ન દર્શાવાતા તંત્રએ ગંભીર રીતે નોંધ લીધી છે. હાલ સમગ્ર મામલે તપાસની દિશામાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.

જિલ્લા તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, પીડીએસ (Public Distribution System) અનાજની હેરાફેરી, ગેરવહેચાણ કે સંગ્રહ પર શૂન્ય સહિષ્ણુતા દાખવવામાં આવશે. અને આવી હેરાફેરી કરનારા તત્વો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.

આ કેસ ફરી એકવાર આ જાગૃતિ આપતો બની રહ્યો છે કે, સરકારના અનાજની વહેચણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના ગેરવિહારો સામે તંત્ર સજાગ છે અને આવનારા સમયમાં પણ આવા આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે.


અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ