ડીજીવીસીએલના પૂરવણી બિલ મુદ્દે ચેમ્બરની ગુજરાતના નાણાં અને ઉર્જા મંત્રી સાથે રજૂઆત.

સુરતના ઉદ્યોગકારોને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) તરફથી LTMD સર્વિસ ધરાવતા વીજ ગ્રાહકોને આપેલા “અલગથી પૂરવણી બિલ”ને લઈ ચાલી રહેલા વિવાદના મુદ્દે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મંગળવાર, તા. 1 જુલાઈ, 2025 ના રોજ ચેમ્બરના ઉપપ્રમુખ અશોક જીરાવાલાની આગેવાનીમાં ડીજીવીસીએલ કમિટીના એડવાઈઝર સુરેશ પટેલ અને ચેરમેન મયુર ગોળવાલા સહિતના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના નાણા અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે મુલાકાત કરી હતી.

ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યુ હતું કે, ઉદ્યોગકારોને મળતાં પૂરવણી બિલોના કારણે વ્યાવસાયિક તંગી ઊભી થઈ છે અને આ મુદ્દે મંત્રીશ્રી સમક્ષ વિસ્તૃત રીતે તમામ પોઈન્ટ રજુ કરવામાં આવ્યા હતા. જવાબમાં નાણા અને ઉર્જા મંત્રીએ આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, “હાલ પૂરવણી બીલ ભરવાના નથી, અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.”

ઉદ્યોગજગતમાં આ નિવેદનથી રાહતની લાગણી પ્રસરી છે અને હવે ચેમ્બર દ્વારા અધિકૃત જાહેરનામાની રાહ જોવાઈ રહી છે.

અહેવાલ: સુરજ મિશ્રા