ડીસા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસ ગૌરવ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાયો

ડીસા શહેરને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા તથા જિલ્લાની સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા આદર્શ હાઈસ્કૂલ,ડીસા ખાતે ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, ગાંધીનગર તથા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ ડીસા, સંલગ્ન સંસ્કાર મંડળ ડીસાના સંયુકત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્થાનિક કલાકારો, કવિઓ, સંગીતકારો, ગાયકોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાની ધરતીએ અગણિત વિરાસત અને કલા દુનિયાની સમક્ષ પ્રસ્તુત કરી છે.

બનાસની ધરતીએ કવિઓ, સાહિત્યકારો, ગઝલકારો, સંગીતકારો અને નૃત્યકારો જેવી વિરાસતો દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી છે. આ તમામ કલાકારોને એક પ્લેટફોર્મ મળી રહે તથા ડીસા શહેરની દ્વી શતાબ્દી પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ આયોજન કરાયું છે. બે દિવસ ચાલનારા આ કાર્યક્રમને નિહાળવા તેમણે જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં અલગ અલગ કલાકારો દ્વારા પોતાની કલાને પ્રસ્તુત કરાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કવિ પ્રસાદ કુમાર જાદવ,ડિસાના અગ્રણીશ્રી લીલાધરભાઇ, આચાર્યશ્રી કનુભાઈ, વિવિધ કલાકારો સહિત બહોળી સંખ્યામાં નગરવાસીઓ જોડાયા હતા.

અહેવાલ:- બ્યુરો,(પાલનપુર)