ડુમસની 2હજાર કરોડની જમીનના કૌભાંડ બાદ તત્કાલીન કલેક્ટર સામે વધુ એક ફરિયાદ

સુરત :

સુરતમાં ડુમસની 2હજાર કરોડ ઉપરાંતની સરકારી જમીન ગણોતિયાને નામે કરી દેવાના સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓક સામે 4હજાર હેક્ટર સરકારી જમીન દબાણમુક્ત નહીં કરવાની વધુ એક ફરિયાદ થઈ છે. સુરતના માત્ર ત્રણ તાલુકા ઓલપાડ, મજૂરા અને ચોર્યાસીમાં કાંઠા વિસ્તારની 4હજાર હેક્ટર ઉપર ગેરકાયદે ઝીંગાતળાવ સામે કાર્યવાહી કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નોટિસ જારી કરી હતી. છતાં સરવે કરાવવા સિવાય કંઈ કર્યુ નહીં હોવાની ગંભીર ફરિયાદ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને કરી છે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી લેખિત ફરિયાદમાં જણાવાયુ છે કે, સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓક દ્વારા સુરતમાં ફરજ દરમ્યાન સરકાર પ્રત્યેની જવાબદારી અને સેવાના નિયમો નેવે મૂકી કામગીરી કરી હોય એવા કિસ્સાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે. સુરતના ઓલપાડ, મજુરા અને ચોર્યાસી તાલુકાની 4000 હેક્ટર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ અને પર્યાવરણ તેમજ કુદરતી ઈકો સિસ્ટમને નુકસાન કરી ઝીંગાના તળાવો બનાવવામાં આવ્યા છે. મજૂરા અને ચોર્યાસી તાલુકામાં તો સરકારે એક પણ ઝીંગા તળાવને મંજૂરી આપવામાં આવી નથી, છતાં આ બંને તાલુકામાં 3000 હેકટર કરતા વધુ સરકારી જમીન ઉપર ઝીંગાના તળાવો બનાવી દેવાયા છે.

સુરતના મજુરા, ચોર્યાસી, ઓલપાડ તાલુકામાં 4હજાર હેકટર કરતા વધુ સરકારી જમીન ઉપર ઝીંગાતળાવો સામે કાર્યવાહી માટે ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશનો પણ અમલ નહીં થયોઃ દર્શન નાયક

નેશનલ ગ્રીન ટ્રિબ્યુલે આ બાબતે સુરત કલેક્ટર નોટિસ કાઢી ટકોર કરવામાં આવી હતી. તે વખતે વહીવટી તંત્ર ઝીંગા તળાવ બાબતે માત્ર સર્વે કરી બેસી રહ્યુ હતું. આ તમામ માહિતી સુરતના વહીવટીતંત્ર પાસે રેકોર્ડ ઉપર પણ ઉપલબ્ધ છે.

આ બાબતે મારા સહિત ખેડૂત આગેવાનો, ગ્રામ પંચાયતો અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી હતી. છતાં સરકારી જમીન ઉપર થયેલા દબાણ દૂર કરવા દેખાવ પૂરતી જ કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટના હુકમનું પણ પાલન કરવામાં આવ્યુ નહતું. એક કલેક્ટર તરીકે સરકારી જમીનની અને સરકારી મિલકતની જાળવણી અને સાચવણી કરવી જોઈએ તે તેમણે કરી નહતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)