ડુમસ જમીન કૌભાંડ બાદ સુરત કલેકટર કચેરીમાં 85 નાયબ મામલતદારોની બદલી

સુરત
સુરતના ડુમસની રૂ. 2 હજાર કરોડની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે ચઢી ગયા બાદ તત્કાલિન કલેકટર આયુષ ઓક સામે સસ્પેન્શનની કાર્યવાહી બાદ સુરત જિલ્લા કલેકટર કચેરીમાં 85 નાયબ મામલતદારોની સાગમટે બદલીના હુકમ કરાયા છે.

છેલ્લા ત્રણ કે તેથી દસ વર્ષ સુધી એન.એ, નવી-જુની શરત, ચીટનીશ, આરટીએસ સહિત વિવિધ ટેબલો પર ફરજ બજાવતા નાયબ મામલતદારોની કલેકટર કચેરીના કેમ્પસની બહાર બદલી કરી દેવાઈ છે. જેમાં યોગેશ પટેલ ઉર્ફે ટોપીની બદલી ચર્ચાનો વિષય બન્યો છે.

ડુમસ પ્રકરણમાં તત્કાલીન જિલ્લા કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા બાદ જિલ્લા કલેકટર કચેરીમાં ત્રીજા, ચોથા અને પાંચમાં માળે આવેલી ચીટનીસ, એન.એ, આરટીએસ, જમીન સુધારણા, કુષિપંચ સહિતની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા ડેપ્યુટી મામલતદારોની બદલીની તલવાર લટકતી હતી. જેમાં આજે મોડી રાત્રે સુરત જિલ્લા કલેકટર સૌરભ પારધીએ જાહેર હિતમાં વહીવટી કારણોસર 85 જેટલા ડેપ્યુટી મામલતદારોની બદલી કરી દેવાઈ હતી.

અહેવાલ : અશ્વિન પાંડે (સુરત)