સુરત શહેરમાં સ્વચ્છતા અંગે અનેક પ્રયાસો છતા, કેટલાક વ્યક્તિઓ પોતાની લાલચના કારણે સામાન્ય નાગરિકના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટી–૨ના રોડ પર વરસાદના કારણે ભરાયેલા ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો ચોંકાવતો વિડિયો સામે આવ્યો છે.
વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક શખ્સ ગંદા અને કાદવથી ભરેલા પાણીમાં થેલીભર શાકભાજી ધોઈ રહ્યો છે. આ શાકભાજી, નાગરિકોને વેચવા માટે માર્કેટમાં લઈ જવામાં આવે છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર થવાની શક્યતા વધી રહી છે.
સ્થાનિક રહીશો દ્વારા આ કૃત્યની નોંધ લેવાઈ છે અને તેમનો આક્ષેપ છે કે આવા શાકભાજી વેચનારાઓ અનેક વખત એવા ઝાડાવાળા પાણીમાં શાકભાજી ધોઈ વેચતા હોય છે. છતાં પણ મનપા કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી.
સુરત મનપા અને આરોગ્ય વિભાગે હવે વાયરલ વિડિયોની ચકાસણી શરૂ કરી છે અને શાકભાજી વેચનાર શખ્સની ઓળખ કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. લોકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે આવા શખ્સો સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
આ બનાવ ફરીવાર એ વાતને ધ્યાનમાં લાવે છે કે, બજારમાં મળતી ખાદ્યવસ્તુઓનો સ્ત્રોત કેવો છે, તેની ખાતરી કર્યા વિના ઉપયોગમાં લાવવી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
અહેવાલ : પરવેજ (સુરત)