ડૉ. સુભાષ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી.

જૂનાગઢ શહેરમાં વસેલી ડૉ. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ અને હોમસાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ ભારતીય સંસ્કૃતિના પાવન તહેવાર રક્ષાબંધન નિમિત્તે સંવેદનશીલ સેવાકીય પ્રવૃતિના ભાગરૂપે એક યાદગાર કાર્ય કર્યું છે. કોલેજના આશરે ૫૦ જેટલા વિદ્યાર્થી અને સ્ટાફ સભ્યોએ એન.એસ.એસ. યુનિટ 1 તથા 2ના સહયોગથી તા. 06/08/2025ના રોજ ઝૂંબેશરૂપે જૂનાગઢ સ્થિત વૃદ્ધયુ નિકેતનની મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમને કોલેજના આચાર્યશ્રી બલરામ ચાવડાનું માર્ગદર્શન મળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થિની પાટડીયા રાધિકાએ ભાવસભર શ્લોક દ્વારા વાતાવરણને શાંતિમય બનાવ્યું હતું, તો બીજી તરફ બાંભણીયા કૃષિતાએ રોચક લોકવાર્તાની રજૂઆત કરી વડીલોમાં ખુશીની લાગણી ફેલાવી દીધી હતી.

વિદ્યાર્થિનીઓના ગ્રુપ દ્વારા દેશભક્તિ અને સંસ્કાર આધારિત સમૂહ ગીતની રજૂઆત પણ કરવામાં આવી હતી. કોલેજના અધ્યાપક ડૉ. નરેશ સોલંકીએ વૃદ્ધોને સમાજ માટે અગત્યના ગણાવતાં એમને સન્માનીય ગણાવી સમાનતા અને માનવતાની ભાવના ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.

વિદ્યાર્થિનીઓએ વૃદ્ધજનો સાથે સમય વિતાવી, તેમની લાગણીઓને સાંભળી અને આત્મીયતા ઉભી કરી. એન.એસ.એસ.ના યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. બીપીનભાઈ પટેલ તથા પ્રા. ચેતનાબેન ચુડાસમાએ વૃદ્ધાશ્રમને પોતાનું સ્વગૃહ માની સેવાભાવ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ વૃદ્ધોને રક્ષા બાંધી અને મીઠું મોઢું કરાવ્યું, આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વૃદ્ધાશ્રમના સંચાલક જવાહરભાઈ ચાવડા અને મીતાબેન ચાવડાએ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિને બિરદાવી હતી. મંત્રી રજનીબેન પુરોહિત તથા રાજુભાઈ પુરોહિતે પણ એન.એસ.એસ. દ્વારા કરવામાં આવેલી આ ભાવનાત્મક સેવા પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી.

આભારવિધિમાં પ્રા. ચેતનાબેન ચુડાસમાએ સંસ્થાના સ્થાપક વિનુભાઈ રાણાને યાદ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. પાયલ ચુડાસમાએ ઉત્સાહપૂર્વક સંભાળ્યું હતું.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ