જૂનાગઢ (11 એપ્રિલ, 2025):
આજે ચૈત્ર માસ ચાલી રહ્યો છે, જે દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો આયોજને કરવામાં આવે છે. તેવામાં તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં શ્રીમદ્ भागવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. 13 એપ્રિલથી આ કાર્યક્રમનો આરંભ પોથીયાત્રા સાથે થશે.
આ કથાનું રસપાન ઉમરેઠી ગામમાં જન્મેલા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા કરાવશે. ખાસ વાત એ છે કે, આ કથાનું આયોજન ગામની મહિલાઓએ કર્યું છે. ગોપી મંડળ દ્વારા કથાની ફંડિંગ અને આયોજનમાં મહત્વપૂર્વકની કામગીરી કરવામાં આવી છે, અને સમગ્ર ગામના લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં એકત્રીત થશે.
ડો. મહેતા, જેના જન્મસ્થળ પર કથાનું આયોજન થઈ રહ્યું છે, હંમેશા તેમના ગામમાં વિવિધ ધાર્મિક પ્રસંગોમાં માર્ગદર્શન આપે છે. તેઓ જન્માષ્ટમી, દિવાળી જેવા તહેવારોમાં સંપૂર્ણ સમર્પણથી શ્રદ્ધાળુઓની સેવા કરે છે.
13 એપ્રિલના રોજ રામદેવપીરના મંદિરેથી પોથીયાત્રાનું પ્રારંભ થશે. પોથીયાત્રા ગામના મુખ્ય માર્ગો પર થઈને રામશ્યામ શિવ મંદિર પહોંચશે, જ્યાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો આરંભ થશે. 19 એપ્રિલે આ કથા સમાપ્ત થશે.
આ આઠ દિવસી કથામાં ગોપી સત્સંગ, હનુમાન ચાલીસા, કાન ગોપી, લોકડાયરો અને અનેક અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ કથા દરમિયાન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવશે. કથાનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી રહેશે.
ઉમરેઠી ગામમાં આ કથાને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે, અને “અતિથિ દેવો ભવ:” સૂત્રને જીવંત બનાવવાના હેતુથી ગામના લોકો અને ગોપી મંડળ કટિબદ્ધ બનીને શ્રદ્ધાળુઓની સેવામાં જોડાઈ રહ્યા છે.
અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ, જૂનાગઢ