જૂનાગઢ તા.2/1 તા. ૧-૧-૨૦૨૫ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ડો. સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે શ્રી ભાનુમતિ પી. દેસાઈ વ્યાખ્યાન માળાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કાર્યક્રમના આરંભે ડૉ.નરેશ સોલંકીએ અહ્લ્યાભાઈ હોલકરના જીવનને ઉજાગર કરતુ પુસ્તક રમેશ ભાઈને ભેટ આપી સ્વાગત બાદ સાહિત્ય મર્મજ્ઞ આચાર્ય શ્રી બલરામ ચાવડાએ વકતા શ્રી ડો.રમેશ મહેતાનો બખૂબી પરિચય કરાવ્યો હતો.
ત્યારબાદ શ્રી એમ.એન. કંપાણી કોલેજ માંગરોળના પ્રાધ્યાપક અને કવિ ડો. રમેશ મહેતાએ કાવ્યની વિભાવના વિષય પર મનનીય પ્રવચન આપી વિધાર્થીઓને લાભાન્વિત કર્યા હતા. ડો. રમેશ મહેતાએ પોતાના વિચારો વિધાર્થી સમક્ષ મૂકતા જણાવ્યું હતું કે ભાષા એ શું છે? ભાષાએ સંવેદના પ્રગટાવે છે. ભાષાથી આપણે વ્યવહાર કરી શકીએ છીએ, વ્યાકરણ એ વ્યવસ્થાતંત્ર જેમ કામ કરે છે. ભાષા સમાજની છે, સમાજ જ ભાષા પર જ કન્ટ્રોલ કરે છે.કવિતા કેમ બને છે એ એક કળા છે,એમાંથી સમાજનો ચિતાર મળે છે,કવિતા અને ગીતો એજ છે જે તમને સાંભળવા ગમે છે. આ વિચારોથી કાવ્યની વિભાવના પ્રગટ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો.આ કાર્યક્રમનું આભાર દર્શન ગુજરાતીના અધ્યાપક શ્રી એ. એન. રાબડિયાએ કર્યું હતું.ગુજરાતની સાહિત્ય જગતની નામાંકિત સંસ્થાઓ સાથે આવા ઉપક્રમથી જોડાઈને આ કાર્યક્રમો યોજી વિધાર્થીઓને તરોતાજા રાખી વકતાઓનો વક્તવ્ય આયોજન બદલ સંસ્થાના પ્રમુખશ્રી જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)