તળાજા તાલુકામાં વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત કુલ ૪૨ લાખના ખર્ચે તૈયાર થયેલાં વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું લોકાર્પણ સંસદ સભ્ય તથા કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે તળાજાના વારાહી મંદિર ખાતે થયું હતું.
આ પ્રસંગે સાંસદશ્રીએ તળાજા નગરપાલિકા માટે રૂ. ૨૦ લાખના ખર્ચે નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ રેલીયા ગઢૂલા ગામમાં ૧૪૦ બાંકડા, ગોરખી ગામમાં ૧૪૦ બાંકડા, ગોરખી ગામમાં રૂ. ૩ લાખના ખર્ચથી પેવર બ્લોક, પ્રતાપરા ગામમાં રૂ. ૩ લાખના પેવર બ્લોક, દેવલીયા ગામમાં રૂ. ૩ લાખના પેવર બ્લોક અને રેલીયા ગઢૂલા ગામમાં રૂ. ૩ લાખના પેવર બ્લોક જેવા સુવિધાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાંસદશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકાર દરેક વર્ગના લોકો માટે કાર્ય કરી રહી છે. “સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ” સૂત્રને અનુસરીને તળાજા તાલુકાના ગામડાંઓમાં સુવિધાઓમાં વધારો કરવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે.
આ પ્રસંગે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી અને નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર