તળાજા નજીક સિંહની પજવણીનો વીડિયો વાયરલ કરનાર ઈસમની ધરપકડ, જામીન અરજી કોર્ટએ ફગાવી.

શેત્રુંજી વન્યજીવ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવતી તળાજા વન્યજીવ રેંજ વિસ્તારમાં તાજેતરમાં બાંભોર-તલ્લી ગામની સીમમાં સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થયો હતો. વન સંરક્ષક ડૉ. રામરતન નાલાએ વન્યજીવ અપરાધમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપતાં, નાયબ વન સંરક્ષક ડી.કે. સાધુ અને મ.વ.સં. બી.જે. ઝાલાના માર્ગદર્શન હેઠળ પ.વ.અ. આર.આઈ. જંજવાડીયા તથા વન વિભાગની ટીમે હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે બનાવવાળી જગ્યા ટ્રેસ કરી.

ટીમે આરોપી ગૌતમભાઈ ઘેલાભાઈ શિયાળને તલ્લી ગામથી ઝડપી લીધો. તેના સામે વન્યપ્રાણી સંરક્ષણ ધારા-1972ની કલમ 2(1), 2(14), 2(16), 2(36), 9, 39, 50, 51 અને પ૨ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી તળાજાની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો. કોર્ટએ તેની જામીન અરજી ફગાવી અને આરોપીને જિલ્લા જેલ, ભાવનગર મોકલવા જેલ વોરંટ બહાર પાડ્યું.

આ પ્રશંસનીય કામગીરીમાં વન્યજીવ રેંજ તળાજાના બી.ડી. ભટ્ટ (વનપાલ), એસ.આર. લાઠીયા (વનપાલ), આઈ.વી. ગોહિલ (વનપાલ), કું.એસ.વી. પંડયા (વનરક્ષક) તથા કે.બી. ચૌહાણ (વનરક્ષક) સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર.