તાલાલા શહેરના ટાઉન વિસ્તારમાં ખુલ્લી શેરીમાં જાહેરમાં ચાલતી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભાંડાફોડ કરતા પોલીસના સર્વેલન્સ સ્ટાફે પાંચ શખ્સો સામે જુગારધારાનો ગણનાપાત્ર ગુનો નોંધ્યો છે. ગુપ્તબાતમીના આધારે રાત્રે રેડ કાર્યવાહી કરી રૂપિયા ૧૦,૨૫૦ની રોકડ રકમ મુદામાલ રૂપે કબ્જે કરવામાં આવી છે.
જુનાગઢ રેન્જના આઇ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા અને વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિ.આર. ખેંગાર દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તાત્કાલિક બંધ કરવા માટે પોલીસને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાને અનુસંધાને, તાલાલા પોલીસ સ્ટેશનના પો. ઇન્સ્પેક્ટર શ્રી જે.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ગુપ્તેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાન પાસે ખુલ્લી શેરીમાં ચાલતી જુગાર રમતમાં લિપ્ત ટોળકીને પકડી પાડી હતી.
આ રેડ દરમિયાન નીચેના પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે:
(૧) રાહુલભાઇ અરવિંદભાઈ બારૈયા
(૨) મેહુલભાઇ અરવિંદભાઈ બારૈયા
(૩) અનીલભાઇ મનસુખભાઈ ચુડાસમા
(૪) જયેશભાઇ વેલજીભાઈ મકવાણા
(૫) ધવલભાઇ પ્રવીણભાઈ ચુડાસમા
ઉપરોક્ત તમામ આરોપીઓ તાલાલા રેલ્વે સ્ટેશન વિસ્તારના રહેવાસી છે.
પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૧૦,૨૫૦ની રોકડ રકમ અને જુગાર સાહિત્ય કબજે કરી ગુનો નં. 11186007250992/2025 જુગારધારા કલમ-12 હેઠળ નોંધ્યો છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરીમાં પો. હેડ કોન્સ. દેવેન્દ્રભાઈ ગાથે, એ.એસ.આઈ. રણજીતસિંહ ડોડીયા, પ્રતિપાલસિંહ કાગડા, પો. હેડ કોન્સ. ગોવિંદભાઈ મારૂ અને પો. કોન્સ. સિદ્ધરાજસિંહ પરમારએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ