ગુજરાત સરકારના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”ને રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળી રહેલી સતત સફળતા પછી હવે ગામડાના સામાન્ય નાગરિકોને તેમના પ્રશ્નો અંગે ન્યાય આપવાના હેતુથી રાજ્યના મુખ્યમંત્રીએ તાલુકા કક્ષાએ પણ આ કાર્યક્રમના આયોજનની જાહેરાત કરી છે. આ અનુસંધાને ગીર સોમનાથ જિલ્લામાં પણ “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજવા માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યક્રમ આગામી તા. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ મંગળવારના દિવસે સવારના ૧૧:૦૦ વાગ્યે મામલતદાર કચેરી ખાતે યોજાશે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્તરે ઉદ્ભવતા પ્રશ્નો અંગે નાગરિકો તેમની અરજી રજૂ કરી શકશે, જેનો નિકાલ સ્થળ પર જ કરવાની યોજના છે. આ કાર્યક્રમમાં સંબંધિત વિભાગના અધિકારીઓ, મામલતદાર અને લાયઝન અધિકારીઓ હાજરી આપશે અને નાગરિકોની રજૂઆતો સાંભળી યોગ્ય પગલાં ભરશે. આથી જે નાગરિકો તેમની ફરિયાદ કે પ્રશ્ન અંગે ઉકેલ ઈચ્છે છે, તેઓએ સમયસર અરજી તૈયાર રાખવી અને કાર્યક્રમમાં હાજરી આપવી. સરકાર દ્વારા આવી પહેલથી સ્થાનિક સ્તરે જ પ્રશ્નોનું તાત્કાલિક અને ન્યાયસંગત નિરાકરણ શક્ય બનશે તેવી આશા છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.