ત્રિવેણી સંગમ ઘાટ પર આરતીની નવી સુવિધાનું લોકાર્પણ, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ કર્યું સંગમ આરતીમાં ભાગ.

સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર આજે ધાર્મિક તથા સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અવસરે ગુજરાતના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની હાજરીમાં સંગમ આરતી યોજાઈ હતી. ત્રિવેણી સંગમ ખાતે હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓના સંગમસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી પૂજાવિધી કરી સરસ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે રૂ.૨૧ લાખના ખર્ચે આરતી માટે સાઉન્ડ સિસ્ટમ અને આધુનિક લાઈટિંગ જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આરતીની સુવિધાના વિસ્તરણથી ભક્તો હવે શ્રવણ દ્રારા આરતીનો ભવ્ય અનુભવ મેળવી શકશે.

પ્રવાસન વિભાગ અને માર્ગ મકાન વિદ્યુત વિભાગના સહયોગથી આ આયોજન શક્ય બન્યું છે. સોમનાથ મંદિરના બ્રહ્મપુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે આરતીની વિધિ શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

આ શુભ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી. ઉપાધ્યાય સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મંદિર સંચાલન તંત્ર જોડાયું હતું.

પ્રવાસન મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે ધર્મસ્થળોના વિકાસ માટે કટિબદ્ધતા સાથે કામગીરી હાથ ધરી છે અને ભક્તોને વધુ સારું ધાર્મિક પર્યટન અનુભવ મળે તે દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.