થરાદ :
ઉનાળુ બાજરીમાં ઈયળના ઉપદ્રવને અટકાવવા આજે થરાદ તાલુકાના ગામડાઓમાં વૈજ્ઞાનિકોની ટિમ જાત નિરીક્ષણ માટે પહોંચી હતી અને સ્થળ પર નિરીક્ષણ બાદ ખેડૂતોને તેના નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઈયળોના ઉપદ્રવે ખેડૂતોની ચિંતા વધારી
ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં ઉનાળામાં સૌથી વધુ બાજરીનુ વાવેતર કરવામા આવે છે પરંતુ આ વખતે પાક તૈયાર થયા બાદ તેમાં લીલી ઈયળ નો ઉપદ્રવ વધતા ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવી મહામહેનતે તૈયાર કરેલ પાકમાં વ્યાપક નુકશાન થવાની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે ત્યારે આજે ઉનાળુ બાજરીના પાકમાં લીલી ઇયળનો ઉપદ્રવ બાબતે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકઓની ટીમે થરાદ તાલુકાના ભાપી અને ભાપડી ગામે લીલી ઇયળના ઉપદ્રવ બાબતે મુલાકાત લીધી હતી વૈજ્ઞાનિક ડો. પી.એસ.પટેલ, ડૉ. આર. એ. ગામી, ડૉ. એમ. એ.તુવર અને ખેતીવાડી ટીમ-થરાદ વિ. યુ. દેસાઇ, મદદનીશ ખેતી નિયામક (વિ), બી.આર.પટેલ, વિસ્તરણ અધિકારી- ખેતી, આત્મા પ્રોજેકટ-બી.ટી.એમ., ગ્રામસેવક અને સ્થાનિક આગેવાનો ઇશ્વરભાઇ ચૌધરીએ ગામના ખેડૂતો સાથે રૂબરૂ ફિલ્ડ વિઝિટ કરી પાકમાં આવેલી લીલી ઈયળનુ નિરીક્ષણ કર્યું હતું સાથે જ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપી નિયંત્રણ માટે જરૂરી કેવા પગલાં લેવા તેની વિગતવાર માહિતી આપી હતી
સરકારના પ્રાકૃતિક ખેતી માટે પ્રયાસ
વૈજ્ઞાનિક ટીમે કહ્યું કે હાલમાં સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે સરકાર દ્વારા ભાર મૂકી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાક દુધિયા દાણા અવસ્થામાં હોય એટલે કે પાકવાની તૈયારીમાં હોઈ રસાયણિક દવાઓનો છંટકાવ શક્ય હોય ત્યાં સુધીમાંના કરવામાં આવે અને પ્રાકૃતિક રીતે જ નિયંત્રણના પગલાં લેવામાં આવે એ ખુબ જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમજ બાજરીના પાકમાં સામાન્ય રીતે સાદા પંપથી દવાનો છંટકાવ કરવો મુશ્કેલ હોય ડ્રોન ટેક્નોલોજીથી જડપી અને અસરકારક છંટકાવ કરવા અત્રેના તાલુકામાં ઉપલબ્ધ ડ્રોન અંગે ખેડૂતોને જાણ કરવા જણાવ્યુ હતું તેમણે ડ્રોન માટે- એગ્રી બિઝનેસ સેન્ટર, થરાદના મહેન્દ્રભાઇ મોબાઈલ નંબર 9978209773 પર સંપર્ક કરવા જણાવ્યું હતું.
નિયંત્રણ માટે કેવા પગલાં લેવા
– બાજરીમાં ડૂંડા અવસ્થાની શરુઆત થાય કે તરત જ આ ઇયળના મળતા ફિરોમોન ટ્રેપ્સ એકરે ૧૦ની સંખ્યામાં ગોઠવી દેવા.
– આ ઇયળોનું પરભક્ષી પક્ષીઓ દ્વારા ભક્ષણ થતું હોવાથી પક્ષીઓને આકર્ષવા માટેના વિવિધ નુખસા અપનાવવા.
– ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત મળતી તૈયાર દવઓ નીમ ઓઇલ -૨૦ મિલિ (૧% ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
– બુવેરિયા બેસીઆના નામની ફૂગ આધારિત દવા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો.
– લીલી ઇયળનું એનપીવી (ન્યુક્લિયર પોલિહાઈડ્રોસિસ વાઇરસ) 10 મિલી પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)