વલસાડ: ભારતના ઉચ્ચ આત્મદશાવાન સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્દ રાજચંદ્રજીની ધરમપુરની ધરા પર પધરામણીને ૧૨૫ વર્ષ થઇ રહ્યા છે. તેની અનેક ઉજવણીઓથી ધરમપુર ચોમેર ધમધમી રહ્યું છે, ત્યારે સોનામાં સુગંધ ભળે તેમ શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમમાં આવેલ શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશ્વની સૌથી મોટી પ્રતિમાજી પર મહામસ્તકાભિષેક કરવાનો લ્હાવો સર્વ કોઈ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ૨૩ માર્ચની સુવર્ણ સવારે શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ અન્ય સંતગણ સાથે આ પ્રતિમાજી પર મહામસ્તકાભિષેક કર્યો હતો. કલશોમાંથી વહેતી ધાર પ્રતિમાજીના મસ્તક પર વહે તે આખું દ્રશ્ય જ અત્યંત પવિત્ર અને સોહામણું બની રહે છે.
આ ૨૯ માર્ચ પર્યંત સૂર્યોદયથી સૂર્યાસ્ત ૬:૪૫ સુધી સર્વ કોઈ હવે લઇ શકે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતિમાજીના સર્વોચ્ચ સ્થાને લોકો સરળતાથી પહોંચી શકે તે માટે સીડીની સાથે વડીલો માટે લિફ્ટની પણ વ્યવસ્થા છે. સાથે જ સમગ્ર આશ્રમની ટૂર તેમ જ ધરમપુર તીર્થની આરતીમાં પણ જોડાઈ શકે છે.
આશ્રમનું પાવન વાતાવરણ અને શ્રીમદ્ રાજચંદ્રજીની આશીષમય દિવ્ય પ્રતિમાજી પર પવિત્ર અભિષેક ખરેખર સંસ્મરણીય અનુભવ બની રહે છે.
રિપોર્ટ :- અંકેશ યાદવ, વલસાડ