બનાસકાંઠા
ગુજરાત જેવાં વિકાસશીલ રાજ્યમાં આદીવાસી સમાજ સાથે અવારનવાર અન્યાય થવાની ઘટનાઓ વધવા પામી છે, ત્યારે આદીવાસી સમાજનો ગઢ ગણાતા દાંતા તાલુકાના દલપુરા ગામે 17 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાને લઈને દલપુરા ગામના 400 કરતાં વધુ ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને સોમવારે દલપુરા ખાતેથી મહિલાઓ અને પુરુષ મોટી સંખ્યામાં આવેદનપત્ર લઈને દાંતા ખાતે એકઠા થયા હતા, જ્યાં તેમને દાંતા પ્રાંત અધિકારી અને દાંતા પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું અને દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા.દલપુરાના નાગરિકોએ જણાવ્યું હતું કે પાંચ દિવસમાં નિકાલ નહીં આવે તો તમે ઉગ્ર આંદોલન કરીશું અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે.
દાંતા તાલુકામાં આદિવાસી અત્યાચારની ઘટનાઓ વધવા પામી છે. થોડા સમય અગાઉ રેલવે પ્રોજેક્ટને લઈને આદીવાસી સમાજ વિરોધ કરતા જોવા મળ્યા હતા.સોમવારે પણ દાંતા તાલુકાના દલપુરા ગામનાં આદીવાસી સમાજના ખેડૂતો જમીનને લઈને અને સોલાર પ્લાન્ટને લઈને વિરોધ પર ઉતરી આવ્યા હતા અને ન્યાયની માંગણી સાથે દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. દાંતા પ્રાંત કચેરી ખાતે ભારે નારાઓ કરતા ખેડૂતો જોવા મળ્યા હતા. બીજી તરફ દાંતા પોલીસ સ્ટેશન ખાતે પણ મોટી સંખ્યામાં આદીવાસી સમાજના લોકો એકઠા થઇને નારા લગાવ્યા હતા અને પીઆઈ મેડમને આવેદનપત્ર આપ્યું હતું.
દાંતા તાલુકાના દલપુરા ગામે રહેતા અમરત ભાઈ બુંબડીયાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી અમારી જમીન ઉપર અમને ખેતી કરવા દેતા નથી અને હાલમાં કોઈ ગોકુલ નામની કંપની દ્વારા અમારી જમીનમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે જેનો અમને વિરોધ છે. તાત્કાલિક સોલાર પ્લાન્ટની કામગીરી બંદ કરવામાં આવે અને અમને અમારી જમીન પરત આપવામાં આવે.
જો પાંચ દિવસમાં અમને અમારી જમીન પરત નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન ઉપર ઉતરીશું અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે.આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના મહિલા આગેવાન સુશીલાબેન બુંબડિયા પણ ખાસ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં દલપુરા ગામના મહિલાઓ અને પુરુષ પણ જોડાયા હતા. મહિલાઓએ પ્રાંત કચેરી અને પોલીસ મથકમાં છાતી કુટીને ભાજપ નેતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)