બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો અતિ પછાત જીલ્લા તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખાય છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે તે પૈકી દાંતા તાલુકો સમગ્ર ગુજરાતનો સૌથી પછાત તાલુકો ગણાય છે.દાંતા તાલુકામાં પહાડી અંતરિયાળ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગરીબ લોકો વસવાટ કરે છે.દાંતા તાલુકાના ભેમાળ ગામે છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર બ્લાસ્ટિંગ અને ખનન પ્રવૃત્તિએ માઝા મૂકી છે જે કારણે પહાડોની સુરક્ષા સામે અને લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. ભેમાળ ગામે રોજેરોજ વહેલી સવારથી ધુમ્મસ ડમરીઓ ઉડી રહી છે જે કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ભારે અસર થઈ રહી છે. ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ભેમાળ કવોરી ઉદ્યોગના લીધે જાહેર માર્ગ પર ધૂળની ડમરીઓ વધી છે. લોકોને ચાલવામાં અને રહેવામાં ભારે તકલીફો પડી રહી છે.દાંતા થી સતલાસણા હાઇવે માર્ગ ઉપર કવોરી ઉદ્યોગ આવેલો છે.ભેમાળ ગામમાં 45 જેટલી કવોરી અને 14 જેટલાં ડોમર પ્લાન્ટ આવેલા છે.અવરનવાર ડસ્ટ અને માટી ઉડવાના લીધે ગામમાં ગંભીર બીમારીઓના કેસ પણ જોવા મળી રહ્યા છે.સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ગામમાં 15 જેટલા કેન્સરના કેસ ગામમાં દાખલ થયા છે.કવોરી ઉદ્યોગ આસપાસના ગામોમાં લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે.પ્લાન્ટ ના માલિકો માથાભારે હોઈ સરકાર કોઈ સાંભળતી નથી.કેટલાક અધિકારીઓ અને મંત્રીઓ પણ આ ઉદ્યોગોને છાવરી રહ્યા હોવાનો ગ્રામજનોનો આરોપ લગાવ્યા છે.જાહેર હાઇવે માર્ગ ઉપર બ્લાસ્ટિંગ ને પગલે ડુંગરો પણ પોલા થઈ ગયા છે.આ ઉદ્યોગ આસપાસ ભણતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ ભારે અસર થઈ શકે છે. આગામી સમયમાં કાયમી ઉકેલ નહી આવે તો ગ્રામજનો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે.
રાજકીય નેતાઓ અને મોટા રાજકારણીઓ આ ધંધામાં છે જોડાયેલા
ભેમાળ કવોરી ઉદ્યોગ ની વાત કરવામાં આવે તો રાજકીય નેતાઓ અને મોટા રાજકારણીઓ આ ધંધામાં જોડાયેલા છે એટલે સરકાર પણ આંખ આડા કાન કરે છે અને આ કારણે લોકોને ભારે તકલીફો પડે છે. પૂર્વ બનાસકાંઠાના કલેકટર પણ આ ધંધામાં સામેલ હોય તેવું ચર્ચા રહ્યું છે.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)